Coronaના કેસ વધે તો શું? સરકારે તકેદારી માટે બનાવી લીધો છે માસ્ટર પ્લાન
ગુજરાત હવે કોરોના વાયરસના સંક્રમણના ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયું છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે પણ તકેદારીના એડવાન્સ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
અતુલ તિવારી, અમદાવાદ : ગુજરાત હવે કોરોના વાયરસના સંક્રમણના ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયું છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે પણ તકેદારીના એડવાન્સ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હાલમાં ગુજરાત યુનિવર્સીટીમાં આવેલી 10 માળની સમરસ હોસ્ટેલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ તૈયરીના ભાગરૂપે અહીં હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
હાલમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોનો સત્તાવાર આંકડો 63 જાહેર કરાયો છે. ગુજરાતમાં 18,784 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે જ્યારે 696 વ્યક્તિઓ સરકારી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે. 181 વ્યક્તિઓ ખાનગી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે. આમ કુલ 19,661 લોકો કોરેન્ટાઇનમાં છે. જે લોકોએ કોરેન્ટાઇનની વ્યવસ્થા ભંગ કર્યો છે એવા 236 લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ખૂબ જ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે, તે અંગે વિગતવાર માહિતી આપતાં આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં સમગ્ર રાજ્યમાં 5 કરોડ, 65 લાખ, 83 હજાર, 774 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 81,815 લોકોએ પ્રવાસ કર્યો છે, તે પૈકીના 66,467 લોકોએ આંતરરાજ્ય પ્રવાસ અને 15,348 લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. આ સર્વેલન્સ માં 209 વ્યક્તિઓને અલગ-અલગ રોગોના ચિન્હો જણાયા છે. જે તમામને સારવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube