કોરોના અપડેટ : અમરેલીના સાંસદને થયો કોરોના, સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ
- સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો.
- વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મંડળે તંત્ર પાસે લોકડાઉનની માંગ કરી.
- સુરતના વરાછા મિની બજાર ખાતે કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનો વ્પાય વધી રહ્યો છે. ત્યારે આંકડાકીય માહિતી પર નજર કરીઓ તે, રાજ્ય (Gujarat) માં અત્યાર સુધીમાં કુલ 1,34,623 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,431ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 14 હજાર 476 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,716 એક્ટિવ કેસમાંથી 91 દર્દી વેન્ટિલેટર પર અને 16,625 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 42,93, 724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાના આંકડા (corona update) પર નજર કરીએ...
અમરેલીના સાંસદને કોરોના
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા કોરોના સંક્રમિત થયા છે. સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા તેઓએ પોતે કોરોનાગ્રસ્ત હોવાની માહિતી આપી છે. જોકે, હાલ સાંસદ કાછડિયાની તબિયત સારી છે. તેઓએ છેલ્લા 7 દિવસમા પોતાના સંપર્કમા આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.
સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં આગ
સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરની કોવિડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હતી. વોર્ડના લાઈનમાં વીજ બોર્ડના વીજપુરવઠામા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે હોસ્પિટલના સ્થાનિક સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ કારણે મોટી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલનો મોટો વોર્ડ હોવાથી અહીં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તેથી લોકોનો જીવ બચ્યો હતો.
સુરતના વરાછામાં ફરી ટેસ્ટીંગ શરૂ
સુરતના વરાછા મિની બજાર ખાતે કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ માટે બેનરો લગાવામાં આવ્યા છે. કારણ કે, સુરતના હીરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. અનેક જગ્યાઓ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. અનેક લોકો કોરોના ટેસ્ટ કરવા આવતા નથી, તેથી ફરીથી ટેસ્ટિંગ અભિયાન શરૂ કરાયું છે.
વડોદરાના વેપારીઓની લોકડાઉની માંગ
વડોદરાના વેપારીઓ દ્વારા લોકડાઉનની માંગ કરવામા આવી છે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મંડળે તંત્ર પાસે લોકડાઉનની માંગ કરી છે. વેપારી મંડળના પ્રમુખ પરેશ પરીખે આ મુદ્દે કહ્યું કે, વડોદરામાં અત્યાર સુધી કોરોનાનો આંકડો 11 હજારને પાર થઈ ગયો છે. વડોદરા શહેરના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ રહ્યું નથી. તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહિ લેવાય તો વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધશે. આવામાં કોરોનાને રોકવા પુનઃ લોકડાઉન જરૂરી છે.