• અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ

  • સમગ્ર સિવિલ કેમ્પસમાં હાલ માત્ર 225 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે


અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના દર્દીઓ બાદ હવે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસો છેલ્લા 15 દિવસથી ઘટ્યા છે, એક સમયે સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલના ટ્રાયઝમાં એક જ દિવસમાં 399 કોરોના દર્દીઓ આવ્યા હતા, જે હવે ઘટીને માત્ર 15 જેટલા થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ રોજ નવા 20 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર સિવિલ કેમ્પસમાં હાલ માત્ર 225 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 182, જ્યારે મંજુશ્રી કમ્પાઉન્ડ ખાતે આવેલી હોસ્પિટલમાં માત્ર 5 દર્દીઓ દાખલ છે. કોરોનાની બીજી વેવ આવી ત્યારબાદ મ્યુકોરમાઇકોસીસના કેસો અચાનક વધ્યા હતા. શરૂઆતના સમયે રોજ 40 મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવતા હતા, દર્દીઓ વધતા મ્યુકોરમાઇકોસીસ માટે 8 વોર્ડ શરૂ કરવા પડ્યા હતા. આજની સ્થિતિએ 1000 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સારવાર આપી છે, જેમાંથી 570 દર્દીઓની સર્જરી કરાઈ છે. 


એક સમયે સિવિલ હોસ્પિટલમાં રોજના 30 થી વધુ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન થતા હતા, કાલે માત્ર 6 જ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન થયા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓ સિવાય મ્યુકોરમાઇકોસીસના એવા દર્દીઓ કે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. તેમના માટે એમ્ફોટેરેસીન બીના ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો છે. હાલ 50 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન બાકી છે, આ એવા દર્દીઓ છે જેમના ડાયાબિટીસ હાઈ હોય, ICU માં હોય અથવા એનેસ્થેટીસ્ટ મુજબ ઓપરેશન કરવા માટે ફિટ ના હોય. બાકી રહેલા 50 દર્દીઓ જેવા ફિટ જાહેર થાય તુરંત તેમના ઓપરેશન કરી દેવામાં આવશે. તો બીજી તરફ કોરોનાના કેસો વધ્યા એ વખતે 1200 બેડ હોસ્પિટલ સિવાય મંજુ શ્રી કમ્પાઉન્ડ ખાતે આવેલી હોસ્પિટલમાં 461 બેડ દર્દીઓ માટે શરૂ કરાયા હતા. હવે મંજુ શ્રી હોસ્પિટલમાં માત્ર 5 દર્દી દાખલ છે, એ દર્દીઓ પણ ફિટ થાય એટલે હાલ મંજુ કમ્પાઉન્ડમાં આવેલી હોસ્પિટલ બંધ કરાશે.


આ વિશે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, દેશમાં ત્રીજી વેવ આવશે એવી દહેશત છે. ત્યારે સિવિલ હોસ્પિટલ પણ તૈયાર છે, પરંતુ જો આપણે સૌ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવીશું તો ત્રીજી લહેરથી બચી શકીશું. ત્રીજી લહેરમાં બાળકો માટે સૌથી વધુ ડર છે. એવામાં ઘરમાં તમામ લોકો વેકસીન લે અને બાળકોને સમજાવી સંયમ રાખે તો સૌ કોઈ બચી શકીશું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે એક અલગ બાળ રોગ વિભાગ છે. બાળકો માટે 300 થી વધુ બેડ આપણી પાસે ઉપલબ્ધ છે. 


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. 1000 મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાંથી 77 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધી 575 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. તો ગઈકાલે માત્ર 6 જ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી થઈ શકી છે. હાલ 50 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી કરવાની બાકી છે. સર્જરી બાકી હોય તેવા દર્દીઓમાં હાઈ ડાયાબીટીસ, દર્દી વેન્ટિલેટર પર હોય તેમજ એનેસ્થેટીસ્ટ દ્વારા ઓપરેશન માટે પરવાનગી ના મળતી હોય તેવા દર્દીઓના ઓપરેશન બાકી છે તેવુ હોસ્પિટલ દ્વારા જણાવાયું.