અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન નીવડી. કેસના આંકડા પણ ઓછા હતા અને સામે મોત પણ ઓછા નોંધાયા. જોકે, ત્રીજી લહેરમાં કોરોનાના વેરિયન્ટે અત્યાર સુધી કોઈ અસર કરી નથી. પરંતુ એકવાર મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં મ્યુકોરમાઇકોસિસના દોઢ મહિનામાં 18 કેસ આવ્યા છે. 11 દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં જ્યારે 7 દર્દીઓએ ડેન્ટલ હોસ્પિટલમાંથી સારવાર લીધી છે. જેમાં 1 દર્દીનું મોત થયું છે, અને 8 દર્દીઓના જડબા કાઢવા પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ત્રીજી લહેર ભલે ઘાતક ન હોય, પણ હવે તેની અસર દેખાવા માંડી છે. છેલ્લા એક માસમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા મ્યુકોરમાઇકોસીસના 10 દર્દીઓ પર નાના-મોટા ઓપરેશન કરવાની ફરજ પડી છે. ફરી એકવાર મ્યુકોરના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવવા લાગ્યા છે. આ અંગે ENT વિભાગના વડા ડોકટર ઈલા ઉપાધ્યાયે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ફરી મ્યુકોરના એક-બે કેસ રોજ આવવાની શરૂઆત થઈ છે. જો કે સ્થિતિ અગાઉ જેટલી ગંભીર નથી. સિવિલ કેમ્પસમાં કોરોનાકાળ દરમિયાન અંદાજે 825 જેટલા મ્યુકોરના દર્દીઓના ઓપરેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : બાઈક રેસની લ્હાયમાં બે યુવકોએ ગુમાવ્યો જીવ, બની ગઈ જિંદગીની અંતિમ રેસ


આ વખતે જે દર્દીઓ મ્યુકોરની ફરિયાદ સાથે આવી રહ્યા છે એ તમામ કોરોના થયો હોય એના બાદ અથવા અગાઉ મ્યુકોર થયો હતો એવા જ કેસો જોવા મળી રહ્યા છે. જે દર્દીઓને કોરોના થયો, ટોસિલિઝુમેબ અથવા કોઈ સ્ટીરોઇડ આપવા પડ્યા, જેમની ઇમ્યુનિટી નબળી છે, સુગર હાઈ રહેતું હોય અથવા કોઈ શારીરિક અંગમાં સમસ્યા હોય એવા લોકોમાં કોરોના થયા બાદ મ્યુકોરના કેસ જોવા મળ્યા છે. 


તબીબો કહે છે કે, કોરોના થયા બાદ થોડી સાવચેતી રાખવી જરૂરી છે, ઇમ્યુનિટી જાળવીશું અને થોડો સમય માસ્ક પહેરી રાખવાથી મ્યુકોરથી બચી શકાય છે. જો મ્યુકોરના કોઈપણ લક્ષણ જણાય તો તરત જ ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ લેવી હિતાવહ છે.