રાજસ્થાન સરકારનો ગુજરાતીઓ માટે મોટો નિર્ણય, કોરોના ટેસ્ટ વગર નો એન્ટ્રી
- માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો
- મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો
- રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા
સમીર બલોચ/અરવલ્લી :ગુજરાતમાં કોરોનાનો વાયરો ફરી ફૂંકાયો છે. આજુબાજુ વધી રહેલા કેસોથી લોકોનો જીવ તાળવે ચોંટી રહ્યો છે. ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. આવામાં કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત થી રાજસ્થાન જતાં પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાયો છે. ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
આ પણ વાંચો : ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું, સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો
RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ રાજસ્થાનમાં પ્રવેશ મળશે
રાજસ્થાન સરકારે 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. સાથે જ ગુજરાતીઓેને હવે RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન ટુરિઝમ પ્રખ્યાત છે. અહી દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.
આ પણ વાંચો : વિધાનસભામાં રૂપાણીએ ગીત લલકાર્યું, વક્તને કિયા ક્યા હસી સિતમ... હમ હમ ન રહે તુમ તુમ ન રહે..
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે. માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 571 કેસ નોંધાયા. 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ સુરતમાં 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117 અને રાજકોટમાં 58 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
સુરતમાં બહારથી આવેલા મુસાફરો પોઝિટિવ નીકળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. યુકેથી સુરત આવેલા 3 લોકોના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા. ત્યારે એક કેસમાં બ્રિટનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં કોરોનાના 134 કેસો નોંધાયા છે. સુરતમાં ગોવા, ડાકોર, મુંબઈ, અમદાવાદથી આવતા મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 18 વ્યક્તિ બહારગામથી આવ્યા હતા.