ચેતીને રહેવાનો આવ્યો સમય, કોરોનાના કેસ વધ્યા, પણ રિકવરી રેટ ઘટ્યો
- કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 96.08% થયો છે
- સતત વધતા કેસોથી પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યભરમાં 1564 કોરોનાના કેસો નોંધાયા, 6 લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે 969 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહ્યાં છે. તાવ-શરદી, માથુ દુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહ્યાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો : ફાટેલી જિન્સના વિવાદ પર ગુજરાતી યુવતીઓ બોલી, અમારા સંસ્કારો ન જુઓ, યુવકો પણ પહેરે જ છે
કેસ વધ્યા, તો રિકવરી રેટ ઘટ્યો
પ્રાપ્ત આંકડા અનુસાર, કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 96.08% થયો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો તેમજ તેની સામે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. રાજ્યભરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ કોરોનાના નવા દર્દીઓ સામે સ્વસ્થ્ય થનાર દર્દીઓની સંખ્યા વધારે નોંધાતી હતી. તે સમયે રાજ્યભરના રીકવરી રેટમાં વઘારો થઈ રહ્યો હતો. પરંતુ ફરી એકવાર સ્વાસ્થ્ય થતા લોકો કરતા નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા, રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કેસનો આંકડો વધ્યો
તો બીજી તરફ, અમદાવાદ અને સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા માત્ર 24 કલાકમાં 400ને પાર ગયો છે. ગઈકાલે સુરતમાં 484 જ્યારે કે, અમદાવાદમાં 406 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યભરમાં અત્યાર સુધી 2,85,429 લોકોને કોરોના થયો છે. જેમાંથી 2,74,349 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે કે, 4443 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
આ પણ વાંચો : તરસ્યા નહિ રહે ગીરના પ્રાણીઓ, પાણીની કુંડીઓ ભરવાનું વન વિભાગે શરૂ કર્યું
કોરોનાને માત આપવા ચાલી રહેલા રસીકરણની પણ ગતિ વધારવામાં આવી છે. ગઈકાલે રાજ્યભરમાં 2,02,529 લોકોને કોરોનાની રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 28,36,204 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો 5,92,712 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યો છે. કોરોના રસીના કુલ 34,28,916 ડોઝ અત્યાર સુધી ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે.