ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તારમાંથી મસમોટું જુગારધામ પકડાયું છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાંથી આ જુગારધામ ઝડપાયું છે. વૈભવી હોટલમાં પીસીબીએ દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તાજ હોટલના માલિક અને સંકલ્પ ગ્રૂપના ચેરમને કૈલાશ રામઅવતાર ગોયન્કા જ આ જુગારધામ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જુગાર રમતા પકડાયેલા તમામ મોટા માથાઓ છે. હોટલ તાજના માલિક કેમ જુગારધામ ચલાવતા હતા એ હવે મોટો સવાલ છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે તાજ હોટલના માલિક કૈલાશ ગોયન્કાની ધરપકડ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પકડાયેલાં જુગારીઓના નામઃ


કૈલાશ રામઅવતાર ગૌયેન્કા (ઉ.57. રહે. સંકલ્પ, રાજપથ કલબની બાજુમાં સેટેલાઇટ) 


શંકર મોહનભાઇ પટેલ (ઉ.57. રહે. સર્વોદય વિ.1, ઘાટલોડીયા ) 


હસમુખ મફતલાલ પરીખ (ઉ.56. રહે. અભીશ્રી રેસિડેન્સી બંગ્લોઝ, વિ.1, બોડકદેવ) 


અજીત શાંતિલાલ શાહ (ઉ. 49. રહે. એલ્ટીશ-1 એપાર્ટ. હેબતપુર, સોલા) 


કનુભાઇ અંબાલાલ પટેલ (ઉ.58. રહે. શુભલાભ સોસા. ઘાટલોડીયા) 


ભાવીન ઇન્દ્રજીત પરીખ (ઉ.47. રહે. સામવેદ, સેટેલાઇટ) 


પ્રદીપ રામભાઇ પટેલ (ઉ.59. રહે. ડીવાઇન આઇલેન્ડ, સોલા) 


ભરતભાઇ મણીલાલ પટેલ (ઉ.59. રહે. કલ્હાર એક્ઝોટીકા, સોલા) 


જગદીશ ભગવાન દેસાઇ (ઉ.59. રહે. હારમની બંગ્લોઝ, ભાડજ) 


નરેન્દ્ર જીવણલાલ પટેલ (ઉ.57. રહે. બેલેવ્યુ ફાર્મ, દસ્ક્રોઇ) 



(સંકલ્પ ગ્રુપના માલિક- ફાઇલ તસવીર)


અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડયા છે. પકડાયેલ 10  જુગારી અમદાવાદ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. અચાનક પોલીસે હોટલમાં પ્રવેશીને તપાસ કરી હતી. હોટલના એક વૈભવી રૂમમાં આ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા હતા. પોલીસે આ જુગારીઓની રંગેહાથે ધરપકડ કરી છે.


ઉલ્લેખનીય છેકે, અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં અવારનવાર આ પ્રકારે જુગારધામ ઝડપાતા રહે છે. જેમાં ઘણીવાર એવું પણ સામે આવી ચુક્યું છેકે, જુગારના શોખીન વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટા માથાઓ ઘરથી બિઝનેસના કામ અર્થે જવાનું બહાનું કાઢીને આ પ્રકારે મોટી મોટી હોટલોમાં રૂમ બુક કરાવીને રાખતા હોય છે. અને ત્યાર બાદ તેઓ આ પ્રકારે પોતાનો શોખ પુરો કરતા હોવાનું પણ ભુતકાળમાં ઘણીવાર પ્રકાશમાં આવી ચુક્યું છે.


સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજના રુમ નબંર 721માં જુગાર રમવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં રાઉન્ડ ટેબલ અને ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. ચારે તરફ સામ સામે બેસી જુગાર રમી રહ્યા હતા. આમ જુગાર રમવા માટે માહોલ સહિતની વ્યવસ્થા કૈલાશે કરી હતી. પોલીસે આ મામલે કડક બની કાયદેસરની કાર્યવાહી કરતાં મસમોટા જુગારધામનો ખુલાસો થયો છે. સૌથી મોટો એ સવાલ છે કે સંકલ્પ ગ્રૂપના ચેરમેનને કેમ જુગારધામ ચલાવવાની જરૂર પડી. પોલીસે હાલમાં તો જુગારધામનો કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


જામીન આપીને મુક્ત કરી દેવાયા


પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી વૈભવી હોટલમાં રૂમો રાખીને જુગાર રમાતો હતો. જેમાં મસમોટા માથાઓ પકડાયા છે. આ 10 જુગારીઓમાંથી એકનું નામ કૈલાશ ગોયેન્કા છે જેઓ સંકલ્પ ગ્રુપના માલિક છે. તો આ સિવાયના વ્યક્તિઓ પણ બિઝમેન છે. હાલ તમામને જામીન આપીને મુક્ત કરી દેવામાં આવ્યા છે પણ સિંધુભવનની હોટલ તાજમાંથી જુગારધામ પકડાવાના કેસ આજે અમદાવાદમાં ચર્ચાને એરણે ચડ્યો છે.