ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણ એ વેપલો બની ગયું છે. મંજૂરીઓમાં એવી લાલિયાવાડીઓ ચાલે છે કે બસ હવે શિક્ષણમાં રૂપિયાનો વહીવટ થાય છે. તમે માલેતુજારના સંતાનો હો તો તમારે મહેનત કરવાની જરૂર નથી. તમારા માટે VIP સગવડો ઉભી થઈ જશે. તમારે વાંચવાની કે ભણવાની પણ નથી જરૂર. ભલે ગુજરાતના ભણેશરીઓ આખું વર્ષ મહેનત કરે અને કોલેજના ધક્કા ખાય પણ તમે તો બુક લઈને અલગથી બેસવાના છો, ભલે ને એ મહેનત કરે ટકા તો તમારે જ આવવાના છે. તમે જ ડોક્ટરે કે એન્જિનિયર બનવાના છે. ગુજરાતમાં શિક્ષણ એ કરોડપતિઓનું ગુલામ બની ગયું હોય એવો માહોલ ઉભો થઈ રહ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓનો વહીવટ ખાડે ગયો છે. તમે સામાન્ય ક્લાસના છાત્ર હો તો નોકરીની કે સારા ટકાની આશા છોડી આજથી જીઆઈડીસીમાં મજૂરીકામ ચાલું કરી દો કારણ કે જે પ્રકારે પેપરો ફૂટી રહ્યાં છે અને જે પ્રકારે પરીક્ષાઓ લેવાય છે એ જોતાં તો તમારે તો ક્યારેય સરકારી નોકરીની અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારા મા બાપને કહી દો કે સરકારી નોકરી કે અભ્યાસ માટે રૂપિયા ખર્ચ કરવાના બંધ કરી દે.... કારણ કે તમે મહેનત કરી કરીને મરી જશો અને માલેતુજારના સંતાનો વગર ભણે તમારાથી આગળ નીકળી જશે તો તમારે ભણવાની ક્યાં જરૂર છે. આ લોકો જ તમારા કરતાં આગળ વધી જશે. 



ગુજરાતમાં રૂપિયાની બોલબાલા છે. આજે પરીક્ષામાં ગેરરીતિને લઈને ZEE24Kalakએ કલાકે સૌથી મોટો ધડાકો કર્યો છે. જે સાંભળીને તમારા રૂવાટા ઉભા થઈ જશે. જામનગરની સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષામાં બાજુની સ્પેશ્યલ રૂમમાં પુસ્તકો સાથે પરીક્ષા આપી રહ્યાં હતા. આ ચોરી કરવા માટેની સ્પેશ્યલ ટ્રિટમેન્ટ સત્તાધિશોએ જ  કરી આપી હતી. રૂપિયાવાળાના બાળકો સ્પેશિયલ રૂમમાં પુસ્તકો સાથે પરીક્ષા આપી રહ્યાં હતા. આ ખુલાસા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગની પોલ ખૂલી ગઈ છે.



ZEE 24 કલાકના ઓપરેશન પરીક્ષાના ગાંધીનગર સુધી પડઘાં પડ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ZEE 24 કલાકના અહેવાલને બિરદાવ્યો છે અને સ્વામિનારાયણ કોલેજ સામે તપાસના આદેશો આપ્યા છે. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ખુલાસો માગ્યો છે અને એક ટીમ સ્વામીનારાયણ કોલેજમાં તપાસ માટે પહોંચી છે. સૌથી મોટી વાત એ છે કે આ જ કોલેજમાં આવતીકાલે યોજાનારી તલાટીની પરીક્ષાનું પણ સેન્ટર છે. જે સંચાલકો સામાન્ય કોલેજની પરીક્ષામાં બુકો લઈને પરીક્ષા આપવાનો વહીવટ કરતા હોય એ સરકારી નોકરીની પરીક્ષામાં તો શું ના કરી શકે. ગુજરાત ધીરેધીરે પરીક્ષાના મામલે સતત બદનામ થઈ રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે જઈ રહી છે. શિક્ષણ એ વેપલો હોય નેતાઓ ટ્રસ્ટી બનીને બેસી ગયા હોવાથી સ્કૂલની ફી હોય કે પરીક્ષાઓ રાજ્ય સરકારના હાથ બંધાયેલા રહે છે.


ZEE 24 કલાકના ઓપરેશન પરીક્ષા કૌભાંડ પર વિપક્ષે સરકારને ઘેરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પરીક્ષામાં ગેરરીતિને પેપર ફોડવાથી પણ મોટું કૌભાંડ ગણાવ્યું છે. ભાજપના શાસનમાં ગુજરાતના શિક્ષણને કલંક લાગ્યું છે. 


ZEE24 કલાક પૂછી રહ્યું છે સવાલો....


  • મા સરસ્વતીના ધામને કોણે બનાવી ડિગ્રીઓ વેચવાની દુકાન?

  • દલાલોને વિદ્યાના ધામમાં કોણે આપ્યું મોકળું મેદાન?

  • શિક્ષણ માફિયાઓ કાંપી જાય તેવી સજા કેમ નથી કરતી સરકાર?

  • કેમ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી માટે અપાય છે VIP સુવિધા?

  • હોમિયોપેથી કોલેજમાં ડૉક્ટરના રૂમમાં કેમ નથી લગાવાયા CCTV કેમેરા?

  • આવા ગંભીર ચોરીકાંડથી હોંશિયાર વિદ્યાર્થીઓને થતા અન્યાયનું શું?

  • શું સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની  માન્યતા રદ કરવા માટે લેવાશે પગલાં?

  • સૌરાષ્ટ્ર યુનિ.ની સેમ-2ની પરીક્ષામાં B.Comના  પેપરમાં ચોરી માટે જવાબદાર કોણ?

  • એક રૂમમાં સારવાર અને  બીજો રૂમ કેમ ચોરી કરાવવા માટે રાખ્યો રિઝર્વ?

  • રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે બેસીને કેમ પરીક્ષા નથી આપતા VIP વિદ્યાર્થીઓ?

  • ચોરીનું એકાઉન્ટ ભણનારા વિદ્યાર્થીઓ નોકરી મેળવીને જે ફ્રોડ કરશે તે માટે જવાબદાર કોણ?

  • શિક્ષણને પૈસા કમાવાનો ધંધો બનાવી બેઠેલા દલાલો સામે કડક કાર્યવાહી ક્યારે?

  • જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના સંચાલકો અને આચાર્ય સામે ક્યારે નોંધાશે FIR?

  • ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બદનામ કરનારા કૌભાંડીઓ સામે સરકાર શું કરશે કાર્યવાહી?

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાની નીલામી કરનારા કૌભાંડીઓ સામે શું કાર્યવાહી થશે?

  • શું પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓ પર લગાવાશે આજીવન પ્રતિબંધ?

  • શું પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને જામનગર પોલીસ પકડીને નાખશે જેલમાં?

  • શું પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓનાં માલેતુજાર માતાપિતા સામે થશે FIR?

  • શું પરીક્ષામાં ચોરી કરાવનારા કોલેજ સંચાલકોને પોલીસ નાખશે જેલમાં?

  • શિક્ષણમંત્રી જવાબ આપો કોલેજમાં કેમ થાય છે ચોરી?

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જવાબ આપો તમારી પરીક્ષામાં કેમ થાય છે ચોરી?

  • દલાલ શિક્ષણ માફિયાઓ કેટલા સમયથી ચોરી કરાવતા હતા તેની ક્યારે થશે તપાસ?

  • જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના કૌભાંડીઓને શું થશે સજા?



સૌથી મોટી વાત એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી એ જ કોલેજના ટ્રસ્ટી છે. જેઓ હાલમાં ટ્રસ્ટી પદે ના હોવાનો પોતાનો બચાવ કરી રહ્યાં છે.  જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ચોરીકાંડને ZEE 24 કલાકે ખુલ્લો પાડ્યા બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે.  ZEE 24 કલાકે કૌભાંડી કોલેજનો ભાંડો ફોડ્યા બાદ રાજકોટથી એક તપાસ ટીમ જામનગર કોલેજ ખાતે પહોંચી ત્યારે સામે આવ્યું છે કે આ કોલેજમાં આવતી કાલે તલાટી ભરતીની પરીક્ષા લેવાની છે તેમાં પણ ખામીઓ રાખવામાં આવી હતી અને આ ખામીઓ તપાસ ટીમના ધ્યાનમાં આવી છે. 



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી તેના ચાર સભ્યો જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે તપાસ માટે પહોંચ્યા તો તેમણે જોયું કે કોલેજમાં અપૂરતા સીસીટીવી કેમેરા લગાવેલા છે. જરા વિચારો ZEE 24 કલાકે આ કોલેજમાં ચોરી થતી હોવાનો પર્દાફાશ ના કર્યો હોત તો આવતી કાલે આ કોલેજમાં તલાટીની પરીક્ષામાં પણ ગેરરીતિઓ થવાની પૂરેપૂરી શક્યતા હતી અને આ વાત અમે નહીં, ખુદ તપાસ ટીમના નિરીક્ષણમાં સામે આવી છે. રાજ્યના પરીક્ષા કંટ્રોલિંગ અધિકારીએ આરોપી કોલેજના કૌભાંડી સંચાલકોને તાત્કાલિક સીસીટીવી કેમેરા ફીટ કરવાનો આદેશ આપ્યો છે. 



મતલબ કે, તલાટી ભરતીની પરીક્ષામાં પણ જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનો ઈરાદો સાફ નહોતો. જેટલી જરૂરિયાત હતી તેટલા પ્રમાણે કોલેજમાં કેમેરા નહોતા લગાવ્યા અને ZEE 24 કલાકે કોલેજમાં ચોરી થતી હોવાનો પર્દાફાશ કર્યા બાદ તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તે બાદ આ ક્ષતિ સામે આવી છે. આ કૌભાંડ તો પાશેરામાં પૂણી સમાન છે. જે બહાર આવ્યું છે. હવે લોકોને સરકારી નોકરીની પરીક્ષાઓ પ્રત્યે પણ વિશ્વાસ રહ્યો નથી. આવતીકાલે પણ તલાટીની પરીક્ષા છે આશા રાખીએ કે હેમખેમ સરકાર પાર પાડે.