Biparjoy Cyclone Ahmedabad News : કચ્છમાં ત્રાટકી રહેલા બિપોરજોય વાવાઝોડા સંદર્ભે અમદાવાદ મહાનગર પાલિકાનુ તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં થવાની છે. અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. તો લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. 15 જુનના રોજ સાંજે અમદાવાદમાં ૩૫ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન અને વરસાદની શક્યતા છે. ત્યારે દરેક ઝોનલ ઓફીસ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સતત વાવાઝોડાનું મોનિટરીંગ થઇ રહ્યું છે. અમદાવાદ મનપા દ્વારા વાવાઝોડાને લગતી ફરિયાદ નોંધાવવા માટે ૧૦૫૫૩૦૩ નંબર જાહેર કરાયો છે. સાથે જ કહ્યું કે, નાગરિકો ૯૯૭૮૩૫૫૩૦૩ નંબર પર વોટ્સ એપથી ફરિયાદ કરી શકશે. તો લોકોને એએમસી દ્વારા સલાહ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, તો અમદાવાદ કમોસમી વરસાદમાં પણ ધોવાઈ જાય છે. ત્યારે વાવાઝોડાના તોફાની પવન સામે શહેરનું શું થશે તે તો આવતીકાલે ખબર પડશે. પરંતું એએમસીએ તકેદારીના ભાગરૂપે કેટલીક વ્યવસ્થાઓ કરી છે. બગીચા વિભાગ દ્વારા ૯૦૦ થી વધારે વૃક્ષ ટ્રીમીંગ કરાયા છે. સાથે જ પ્રાઇવેટ ગાર્ડનને ટ્રીમીંગ કરવા માટે સુચના અપાઈ છે. અમદાવાદમાં ૨ લાખ વિજપોલ પૈકી ૧ લાખ ૬૦ હજાર વિજપોલનો સ્ટેબીલીટી તથા વાયર બોર્ડ ટેસ્ટ કરાયો છે. અમદાવાદમાં ૧૮૦૦ જેટલા મનપાના અને ખાનગી હોર્ડિંગ્સ છે. જે પૈકી ૧૩૮૦ હોર્ડીગ ની સ્ટક્ચર સ્ટેબિલિટીનો ટેસ્ટ કરી લેવાયો છે. પ્રાઇવેટ હોર્ડીંગ માટે સુચનાઓ જાહેર કરવામા આવી છે. 



 


તો સાથે જ વાવાઝોડાના સમયે શહેરીજનોને પાણીનો સપ્લાય મળે તે માટે વ્યવસ્થાની ચકાસણી પુર્ણ કરી લેવાઈ છે. વધારે વરસાદ પડે તો પાણીના નિકાલ માટે કુલ ૮૩ પંપ સાથે વધારા ના ૧૦ વરૂણ પંપ લેવાયા છે. ભારેથી અતિભારે વરસાદ પડે તો અટલ બ્રિજ અને રીવરફ્રન્ટ ૨૪ કલાક માટે બંધ કરવામાં આવશે. સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે ફાયરની ૧૫ ટીમ ૫ બોટીગ સ્ટાફ સહિતની ટીમ તૈયાર કરાઈ છે. 


 



 


આ ઉપરાંત વાવાઝોડામાં કેટલીક બાબતોની સાવધાની રાખવાની સલાહ અમદાવાદીઓને આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.


 



વાવાઝોડા સમયે શું કરવુ અને શું ન કરવું


  • વાવાઝોડા સમયે સુરક્ષિત રહેવું

  • વાવાઝોડા સમયે લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે

  • વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવા 

  • તોફાની પવનમાં બારી-બારણાં બંધ રાખવા 

  • લોકોએ અફવાઓથી દૂર રહેવું

  • સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવું

  • આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા કરવી



ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સીઆર ખરસાણે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી. AMC દ્વારા અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.