તૌકતે વાવાઝોડું: કચ્છમાં દરિયાકાંઠા નજીકના 100 થી વધુ ગામોમાં 18 હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં પડતા પર પાટું સમાન ગુજરાત પર તોળાઈ રહ્યું છે વિનાશક વાવાઝોડાનું સંકટ. ખુબ જ ઝડપથી વિનાશક વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, તૌકતે વાવાઝોડા સામે લડવા માટે ગુજરાત સરકાર સજ્જ છે. નીચણવાળા વિસ્તારો, દરિયાકાંઠાને જોડાયેલાં તમામ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સરકારી તંત્ર કામે લાગી ગયું છે. ખાસ કરીને તૌકતે વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લામાંથી પણ સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કચ્છમાં કંડલા, મુન્દ્રા, ભચાઉ તથા લખપત સહિતના સ્થળો પરથી માછીમારો અને અગરીયાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
મહાબંદર કંડલા પર વિશેષ સતર્કતા રખાઇ છે. બપોરે 3 વાગ્યાથી જ પોર્ટ પર ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જહાજોને સુરક્ષિત કરી દેવામાં અાવ્યા છે. અહીં રાત્રી સુધી 4 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં. તો અબડાસાના કાંઠાળ ગામોના લોકોને સોમવાર સુધી સલામત સ્થળે ખસેડવામાં આવશે.
મુન્દ્રાના દરિયા કિનારે વસવાટ કરતા 4000 લોકો સલામત સ્થળે ખસેડાયા છે. તો સંભવિત તૌકતે વાવાઝોડાના સંદર્ભે દરિયા કિનારે આવેલા ગામ મસ્કા હોસ્પિટલના 46 દર્દીઓને ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ભચાઉ તાલુકાના અંદાજે 1200 લોકો અને અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અબડાસામાં પણ સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રાંત અધિકારીઓ અસરની સંભાવના ધરાવતા ગામો ખાલી કરવાની સુચના આપી છે.
જે સોમવાર સુધી ખાલી કરી દેવાશે. લખપત તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોને પણ ખસેડવામાં આવી રહ્યાં છે. પરંતુ અમુક ગામ લોકો સ્થળાંતર કરવામાં વિરોધ પણ કરી રહ્યાં છે. જેને કારણે સરકારી તંત્રની કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. તો બીજીબાજુ સરહદ પર સુરક્ષા જેવાનો પણ સતર્ક છે. વાવાઝોડા સામે સાવચેતીની સાથે બોર્ડર પર પણ બંદોબસ્ત ચૂસ્ત જ રાખવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube