અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવાતા શાળા સંચાલકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. બોર્ડના પરિણામ આધારિત શરતો મુજબ શિક્ષણ વિભાગે ગ્રાન્ટ કાપીને ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ ચૂકવી છે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નાણામંત્રી અને શિક્ષણમંત્રી સાથે શાળા સંચાલક મંડળની મળેલી બેઠકમાં બોર્ડના પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કાપવા બાંહેધરી અપાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારે ગ્રાન્ટ નીતિમાં સુધારો કરવાની બાંહેધરી આપી હતી. જો કે સંચાલકોને આપેલી બાંહેધરી મુજબ સરકારે ઠરાવ નાં કરતા શિક્ષણ વિભાગે ગ્રાન્ટ નીતિની શરતો મુજબ ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપીને ચુકવણી કરી દીધી. ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવાતા સરકારે પોતાનો વાયદો નાં નિભાવતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. નવા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને સરકારે કરેલો વાયદો યાદ અપાવવામાં આવ્યો છે. 


બોર્ડના પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કાપી, ઠરાવમાં બદલાવ કરવા નાણામંત્રી કનુ દેસાઈ અને પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સંચાલકોને આપેલી બાંહેધરી યાદ કરાવવામાં આવી હતી. ચૂંટણીને કારણે ઠરાવ નાં થયો હોય તો હવે કરવા અપીલ કરાઇ છે. 


શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, જો સરકાર બોર્ડનાં પરિણામને આધારે ગ્રાન્ટ કાપશે તો નજીકના ભવિષ્યમાં વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે. ચૂંટણી પહેલાં સરકારે મહામંડળને બાંહેધરી આપી હતી કે ગ્રાન્ટ નીતિમાં બદલાવ કરીને નવો ઠરાવ કરાશે અને બોર્ડના પરિણામને આધારે શાળાઓની ગ્રાન્ટ કાપવામાં નહીં આવે. જો કે નવેમ્બર મહિનામાં શાળાઓને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે તેમાં બોર્ડના પરિણામને આધારે ગ્રાન્ટ કાપીને ચુકવણી કરાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારના મંત્રીઓ તરફથી શાળા સંચાલક મંડળને આપવામાં આવેલું વચન શિક્ષણ વિભાગે નિભાવ્યું નથી.


ભાસ્કર પટેલે અપીલ કરી કે, ચૂંટણી પૂર્ણ થતાં હવે ઝડપથી સરકાર ઠરાવ કરે અને ગ્રાન્ટેડ શાળાઓને મરતી રોકે. જો સરકાર આવી જ નીતિથી ગ્રાન્ટ કાપતી રહેશે તો ગ્રાન્ટેડ શાળાઓનો મરવાનો સિલસિલો યથાવત રહેશે. સરકાર સાથે થયેલી બેઠકમાં અમે ગ્રાન્ટેડ શાળાઓનાં હિતમાં અને વાલીઓના હિતમાં બોર્ડ આધારિત ગ્રાન્ટ નીતિમાં રહેલી ખામીઓ મંત્રીઓને સમજાવવામાં સફળ થયા હતા. મંત્રીઓ અમારી વાતને સમજ્યા પણ હતા, પરંતુ સમય સાથે જે ઠરાવ થવો જોઈતો હતો એ કરાયો નથી.  


તેમણે જણાવ્યું કે, રાજ્યમાં હાલ 6200 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે, આ શાળાઓમાં ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો અભ્યાસ કરે છે. જો સરકાર ગ્રાન્ટ બોર્ડના પરિણામને આધારે કાપશે તો છેલ્લા કેટલાક મહિનાઓમાં 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે એની સંખ્યા વધતી જશે. ગરીબ અને સામાન્ય વાલીઓએ મજબૂરીમાં ખાનગી શાળાઓનો સહારો લેવો પડશે.


ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગ્રાન્ટ નીતિ મુજબ એક વર્ગને પ્રતિ માહ 3 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે, આ રકમ પણ ખૂબ ઓછી છે. જો કે કોઈ ગ્રાન્ટેડ શાળાનું બોર્ડનું પરિણામ 30 ટકા કરતાં ઓછું આવે તો ગ્રાન્ટની એકપણ રૂપિયાની રકમ જે તે શાળાને ચૂકવવામાં આવતી નથી, ગ્રાન્ટ શૂન્ય કરી દેવાય છે. 70 ટકા કરતાં વધુ પરિણામ આવે તો જ 100 ટકા ગ્રાન્ટ મળે છે.


શાળા સંચાલક મંડળ તરફથી રજૂઆત થઈ છે કે, અભ્યાસ શિક્ષક કરાવે છે, જેની જવાબદારી પ્રિન્સિપાલની રહે છે. શિક્ષક અને પ્રિન્સિપાલની ભરતી શિક્ષણ વિભાગ કરે છે અને ત્યારબાદ શાળાનું પરિણામ નબળું આવે તો જવાબદાર સંચાલકને ગણવામાં આવે છે. સંચાલક જે બાબતો માટે જવાબદાર નથી તેને માટે જવાબદાર ગણીને શાળાની ગ્રાન્ટ કાપી લેવાય છે.