Gujarat News: ગુજરાતમાં શિક્ષણ વિભાગે જબરદસ્ત કાર્યવાહી કરી એક દાખલો બેસાડ્યો છે.  તમે આ કેસ અંગેની વિગતો જાણશો તો તમે એમ થશે કે ગુજરાતમાં આ શક્ય નથી પરંતુ ખરેખર આ ઘટના ઘટી છે. એક સાથે આખી કોલેજે માસ કોપી કરી અને તમામે જવાબો એક સરખા લખતાં આખો ખુલાસો થયો છે. જેમાં છાત્રોને અલગ અલગ લેવલ અંતર્ગત સજા ફટકારાઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીટીયુની વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાઓમાં પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ગંભીર ઘટના બની હતી. વ્યારાની સરકારી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસતા ૩૯ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એક સરખા જવાબો ધ્યાને આવતા જીટીયુ દ્વારા કોપી કેસ નોંધાયો હતો અને ૧૫૩ જેટલા વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણીમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં માસ ચોરીની વિગતો ખૂલતાં તમામ પરીક્ષા સ્ટાફ એટલે કે સેન્ટર ઈન્ચાર્જ, સીનિયર સુપરવાઈઝર જુનિયર સુપરવાઈઝર અને જીટીયુ કો-ઓર્ડિનેટરને રૂબરૂ સુનાવણી બાદ પરીક્ષા મહેનતાણું ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


તમને ભરોસો નહીં થાય એવી માસ ચોરીની ઘટના દક્ષિણ ગુજરાતમાં બહાર આવી છે. ગત જાન્યુઆરી- ફેબ્રુઆરી દરમિયાન લેવાયેલી વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ચોરી કરતા પકડાયેલા અને ઉત્તરવહી ચેકિંગ દરમિયાન ગેરરીતિ ધ્યાને આવતા કુલ મળીને ૧૫૩ જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરાયા છે. જીટીયુ દ્વારા આ વિદ્યાર્થીઓને ગત ૧૫મીએ રૂબરૂ બોલાવીને સુનાવણી કરવામાં આવી હતી. હાલ ૧૩૫ વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે અને ૧૮ વિદ્યાર્થીઓના કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. જેઓ સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે. 


ચોરીના અનેકવાર નવા નવા કેસો બહાર આવે છે. માસ ચોરી અટકાવવા માટે શિક્ષણ વિભાગ પણ હંમેશાં એલર્ટ રહે છે. અગાઉ અનેકવાર ખાનગી કોલેજોમાં માસ કોપી કેસની ઘટના બની છે પરંતુ ગત વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના બની હોવાથી જીટીયુ દ્વારા સરકારી ડિપ્લોમા કોલેજ સામે નિયમ મુજબ સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને હવે ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કોલેજ સામે કાર્યવાહી થઈ શકે છે. વ્યારાની જે સરકારી ડિપ્લોમા કોલેજમાં માસ કોપી કેસની ઘટના બની હોવાનું જીટીયુના ધ્યાને આવ્યું હતું તે ડિપ્લોમા કોલેજના ૩૯ વિદ્યાર્થીઓમાંથી ૩૪ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે.


તમામ છાત્રોને અલગ અલગ લેવલ અનુસાર સજા ફટકારાઈ છે. ૧૬ વિદ્યાર્થીઓને લેવલ-૨ની સજા કરાઈ છે એટલે કે વિન્ટર સેમેસ્ટરની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાયુ છે અને ૫૭ વિદ્યાર્થીઓને લેવલ-૩ની સજા કરવામાં આવી છે એટલે કે વિન્ટર સેમેસ્ટરનું પરિણામ રદ કરવામા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે બે વિદ્યાર્થીઓને લેવલ-૨ની સજા કરવામાં આવી છે એટલે કે વિન્ટર સેમેસ્ટરનું પરિણામ રદ કરવા ઉપરાંત આગામી બે સેમેસ્ટરની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube