આ બાળકોનું ભાવિ કોણ ઉજળું કરશે! શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે છતાં આ શાળાને મકાન નથી મળ્યું
Government School : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ, બે વર્ષથી બાળકો શાળાના મકાનને બદલે રામપીર મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે
Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ડેડકડી, ધામણકા, કેરિયા અને ઠોડા ગામની પ્રાથમિક શાળાઓમાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાના બાળકો શિયાળો, ઉનાળો અને ચોમાસાના માહોલમાં ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા છે. જેમાં પણ બે વર્ષ જેવો સમય વીતવા છતાં બે ગામની શાળાઓમા તો ઓરડા પણ નથી રહ્યા, ત્યારે આવી સ્થિતિમાં બાળકોનું ભાવિ કોણ ઉજળું કરશે એ સૌથી મોટો સવાલ છે.
શાળા બે વર્ષથી તોડી, પણ નવી ન બનાવી
રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. પરંતુ દિવા પાછળ અંધારું હોય તેમ રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં ઓરડાના વાંકે ગુજરાતનું ભાવિ ખુલ્લા આકાશ નીચે માત્ર કુદરતના સાનિધ્યમાં ભણવા મજબુર બન્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં પણ કઈંક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરાળા થી ૭કિમિ દૂર આવેલા ડેડકડી ગામમાં આવેલી ડેડકડી પ્રાથમિક શાળાનું મકાન ઘણા વર્ષોથી જર્જરિત બન્યું હતું. જેને અનેક રજુઆત બાદ બે વર્ષ પૂર્વે નવી શાળા બનાવવા માટે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આજે બે વર્ષ જેવો સમય વીતી જવા છતાં ડેડકડી ગામની સરકારી શાળાના બાળકોની હાલત કફોડી બની છે. બાળકો કુદરતના સાનિધ્યમાં ટાઢ, તડકો અને વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા આકાશમાં ભણવા મજબૂર બન્યા છે.
વરસાદ પડે તો બાળકોને રજા આપી દેવાય છે
ડેડકડી ગામની પ્રાથમિક શાળામાં માત્ર એક ઓરડો છે. જેમાં માત્ર આચાર્યની ઓફીસ અને શાળાનો સામાન રાખવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં વૃક્ષો નીચે અભ્યાસ કરી રહ્યા છે. ૧ થી ૮ ધોરણની શાળા માટે બે પાળીમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ વાતાવરણ ખરાબ હોય અને વરસાદ આવે તો બાળકોને ના છૂટકે શાળા માંથી રજા આપી ઘરે મોકલી દેવા પડે છે. શાળા તોડી પાડ્યાં ને બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં શાળા નહીં મળતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. જેને લઈને ગામલોકો દ્વારા નવા ઓરડા બનાવી આપવા માંગ કરવામાં આવી રહી છે
શાળા ન હોવાથી બાળકો રામાપીરના મંદિરે અભ્યાસ કરે છે
ઉમરાળાથી 5 કિમી દૂર આવેલા ધામણકા ગામની ધામણકા પ્રાથમિક શાળાની સ્થિતિ પણ ડેડકડી પ્રા. શાળાથી જરાય સારી નથી, ધામણકા પ્રાથમિક શાળાનું આખું મકાન જર્જરિત બની ગયું હોય બે વર્ષ પૂર્વે તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું. જેના કારણે હાલ આ જગ્યા પર માત્ર મેદાન જોવા મળી રહ્યું છે. જ્યારે શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યા બાદ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ ગામમાં આવેલા રામાપીરના મંદિરે અભ્યાસ કરી રહ્યા છે. મંદિરના નાના એવા ઓટલા ઉપર તમામ ધોરણના વિદ્યાર્થીઓ સાથે જ બેસી અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓની એકાગ્રતા નો પણ ભંગ થઈ રહ્યો છે. જેમાં અલગ અલગ ધોરણના શિક્ષકો આજુબાજુમાં બેસીને બાળકોને ભણાવતા હોય અભ્યાસમાં પણ મુશ્કેલી પડી રહી છે. આવા સંજોગોમાં બાળકો અભ્યાસ કઈ રીતે કરી શકે એ સૌથી મોટો સવાલ છે. ત્યારે વહેલી તકે ધામણકા ગામની પ્રાથમિક શાળાનું પુનઃ નિર્માણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે
ઉમરાળા તાલુકાના ડેડકડી અને ધામણકા ઉપરાંત કેરિયા અને ઠોડા ગામે આવેલી પ્રાથમિક શાળાઓ ની સ્થિતિ પણ મહદ અંશે કૈક આવી જ છે. ત્યારે હવે સવાલ એ થાય કે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય અને હાલ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ સારી સુવિધાઓના કારણે સરકારી શાળામાં એડમિશન મેળવતા થયા છે. ત્યારે જે શાળાઓમાં ઓરડાઓની ઘટ હોય તેને પૂર્ણ કરી બાળકોનું ભાવિ બગડતું અટકાવવું એ સરકારની પણ પ્રથમ ફરજ છે.