હિમાંશુ ભટ્ટ/મોરબી :ગ્રામપંચયતની ચૂંટણી (gram panchayat election) પહેલાં જ મોરબીની નાગડાવાસ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. નાગડાવાસમાં આઝાદી બાદ ક્યારે ચૂંટણી યોજાઈ નથી. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાસ્તવિકતા છે. ગામના વડીલો કહે છે કે, 1962 બાદ નાગડાવાસ (nagdavas) માં ક્યારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી. દર વખતે ચૂંટણી પહેલાં વડીલો સરપંચ અને સભ્યો માટે નામ નક્કી કરે છે. જેથી ગ્રામજનો ખુશીથી સ્વીકારી લે છે. વર્ષોથી વડીલોએ શરૂ કરેલી આ પરંપરાને યુવાનોએ પણ ચાલુ રાખી છે. આ વખતે પણ ચૂંટણી પહેલાં નાગડાવાસમાં સરપંચ અને સભ્યોના નામ પર મહોર લાગી ગઈ છે. ગ્રામજનોની એકતાના લીધે નાગડાવાસમાં પંચાયતી રાજ આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી યોજવાની જરૂર નથી પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી હતી અને મોટાભાગના ગામની અંદર ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાતી હોય છે. ત્યાર બાદ સરપંચ અને સભ્યો નક્કી કરવામાં આવતા હોય છે. જો કે, મોરબી જિલ્લામાં આવેલ નાગડાવાસ એવું ગામ છે કે, જે ગામની અંદર આઝાદી બાદ આજ સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. જ્યારે પણ ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણી પહેલાં જ ગામના લોકો નવા સરપંચ કોણ બનશે અને સભ્ય તરીકે કોને લેવામાં આવશે તે નક્કી કરી દે છે.


આ પણ વાંચો : SG હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ, 5 કિમી સુધી વાહનો અટવાયા


મોરબી જિલ્લામાં ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તે પૈકીની કેટલીક ગ્રામ પંચાયતો સરકારી ગ્રાન્ટ મળે તે માટે તેને સમરસ કરવા માટે આગેવાનો, વડીલો અને ગામના યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે. મોરબી તાલુકાનું નાગડાવાસ ગામમાં જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને પંચાયતી રાજ આવ્યું ત્યારથી લઈને આજ સુધીમાં એક પણ વખત આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. 


આ વાત સાંભળીને જરા નવાઈ લાગશે, પણ નાગડાવાસ ગામના વડીલો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી. ત્યાર બાદ ગામની અંદર ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારના વાદવિવાદ કે વિખવાદ ન થાય અને ગામમાં સૌકોઈ મળીને એકસંપ થઈને રહે તેવી સારી ભાવના સાથે ગામના વડીલો દ્વારા ગામની અંદર પંચાયત સમરસ બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષોથી વડીલોએ જે ચીલો ચાતર્યો છે, તેના ઉપર આજની યુવાપેઢી પણ ચાલી રહી છે. એટલે જ તો, 1962 થી નાગડાવાસ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને દર વખતે ગામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ગામના વડીલો અને આગેવાનો મળીને નવા સરપંચ અને સભ્યોને નક્કી કરી લેતા હોય છે. જે લોકોના નામ ગામના વડીલો દ્વારા સરપંચ અને સભ્યો માટે મૂકવામાં આવે છે તેને સમગ્ર ગામ દ્વારા આવકારવામાં આવે છે. તેને જ સરપંચ અને સભ્યો તરીકે ગ્રામ પંચાયતમાં લેવામાં આવે છે. 


આવી જ રીતે આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલમાં જાહેર કરવામાં આવી છે, ત્યારે ગામમાંથી વડીલોએ નક્કી કરેલા સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવ્યા છે અને આવી જ પ્રથા આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવી લાગણી ગામના આગેવાનો અને વડીલોએ વ્યક્ત કરી.