Gujarat Election 2022: અમદાવાદમાં અત્યારથી જ મતગણતરી માટે તૈયારીઓ શરૂ, આ વખતે શું છે ખાસ?
Gujarat Election 2022: ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. હાલ ચૂંટણીની તૈયારીઓને એક પ્રકારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ મતગણતરી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં અત્યારથી તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા ગીઠવાવની શરૂઆત કરી દેવાઈ છે. 8 ડિસેમ્બરે રાજ્યભરમાં મતગણતરી હાથ ધરાશે. જેને પગલે અમદાવાદનાં એલ.ડી. એન્જીનીયરીંગ ખાતે સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ત્રણ સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.
અમદાવાદની 16 વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરે થનાર મતદાન બાદ EVM મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે. 5 ડિસેમ્બરે મતદાન બાદ સિલ કરાયેલા EVM જુદા જુદા મતગણતરી કેન્દ્રો પર લઈ જવાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી EVM મશીન CCTV ની દેખરેખમાં મૂકાશે. 8 ડિસેમ્બરે ઉમેદવાર અને તેમના ટેકેદારો સહિત અધિકારીઓ મતગણતરી કેન્દ્રમાં બેસીને મતગણતરી કરી શકે તેવી વ્યવસ્થાને આખરી ઓપ આપવાની શરૂઆત કરાઈ.ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહેલી તૈયારીને પરિણામે મતગણતરી બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું હોય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube