Gujarat Election 2022, બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારો રિઝવવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના સીએમ આદિત્યનાથ યોગી સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં નબળી બેઠકો જીતવા માટે ભાજપે રણનીતિ ઘડી નાંખી છે. અમિત શાહ હાલ ગુજરાતમાં છે અને તાબડતોડ રેલીઓ-સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે અમિત શાહની અધ્યક્ષતામાં ગત મોડી રાત સુધી ભાજપના મીડિયા સેન્ટરમાં મંથન ચાલ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપની બેઠકોનો ધમધમાટ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક મહત્વપૂર્ણ બેઠક કરી. મોડી રાત સુધી મીડિયા સેન્ટરમાં આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહ્યા હતા અને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ગૃહમંત્રીએ ચર્ચા કરી હતી. જેમાં ખાસ રાજ્યની નબળી બેઠકો જીતવા માટે નેતાઓ સાથે મંથન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપની નજર છે. તેથી ભાજપ માટે નબળી ગણાતી બેઠકો પર ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાના આવ્યા છે. આ બેઠકો પર 2017 નું પુનરાવર્તન અટકાવવા એડીચોટીનું જોર લગાવશે. 


અમદાવાદ ગ્રામ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો પર 2017માં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. અમદાવાદ ગ્રામ્યની ધંધુકા વિરમગામ બેઠક 2017માં ભાજપે ગુમાવી હતી, જ્યારે ધોળકા બેઠક પર ગણતરીના મતોથી જ વિજય થયો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની 2017માં પાંચે પાંચ બેઠક ભાજપે ગુમાવી હતી. જોકે, પેટા ચૂંટણીમાં ધારી બેઠક પર જીત મેળવી હતી. આવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ 5 માંથી એકપણ બેઠક ભાજપ જીતી નહોતું શક્યું.


2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન


છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. 2017માં ભાજપ માત્ર 99 સીટો જીતી શકી હતી. કોંગ્રેસનો આંકડો 77 પર પહોંચ્યો હતો, પરંતુ અનેક ધારાસભ્યોના પક્ષપલટાને કારણે વિધાનસભામાં તે ઘટીને 62 પર આવી ગયો છે.


તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં ગ્રામ્યમાં ચૂંટણી સભા સંબોધશે. જ્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પોતાના મત વિસ્તાર ઘાટલોડિયામાં ભવ્ય રોડ શો યોજાશે. ઘાટલોડિયાના સુભાષ ચોકથી બોડકદેવ તળાવ સુધી રોડ શો યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે 4 ચૂંટણીસભા યોજાશે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને અમદાવાદ ગ્રામ્યમાં જનસભા સંબોધશે. જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી પણ આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.


ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પણ અનેક જનસભા સંબોધશે. અમિત શાહ અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજાવશે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,  ધર્મેન્દ્ર પ્રધાન,  પરસોત્તમ રૂપાલા પ્રચાર કરશે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube