આઝાદ ભારતમાં ખેડૂતો માટે જો કોઇએ કામ કર્યું હોય તો તે પીએમ મોદી છેઃ નડ્ડા
નમો કિસાન પંચાયતમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુંકે, ભાજપ હંમેશાથી ખેડૂતોની સાથે છે. ભાજપ ખેડૂતોના હિતની રક્ષા કરે છે. પીએમ મોદી હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે.
ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઉતરવા તૈયારી કરી રહી છે. ભાજપ ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી શાસન કરે છે. જોકે, તેમ છતાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ દ્વારા પણ સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો રોડમેપ તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત આજે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવી હતી. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાએ જણાવ્યું હતુંકે, ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી આવી છે. આઝાદ ભારતમાં ખેડૂતો માટે જો કોઇએ કામ કર્યું હોય તો તે પીએમ મોદી છે.
જે.પી.નડ્ડાએ વધુમાં જણાવ્યુંકે, જે ખેડૂત ભાજપ સાથે જોડાવવા માગે છે તેઓ એક મિસ્ડ કોલ કરીને પક્ષ સાથે જોડાઈ શકે છે. તેમણે ખેડૂતોને ભાજપ સાથે જોડવા માટે મોબાઈલ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ જણાવ્યું હતું કે, ભારતમાં બની બેઠેલા કિસાન નેતાઓએ માત્ર ખેડૂતોનું શોષણ કર્યું છે. એક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખીને કાર્ય કર્યું છે. ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના અમલ કર્યો છે. આ યોજના થકી 1 લાખ 36 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. હું ગુજરાત સરકારના વખાણ કર્યા વિના રહી ન શકુ. ગુજરાત સરકારે 32 હજાર જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મદદ કરી છે. ગાંધીનગરના કલોલમાં નનો યુરિયાની ફેક્ટરી લાગી રહી છે. હવે યુરિયા બોરીમાં નહીં પણ બોટલમાં લઇ જઇ શકાશે. રાજ્ય સરકારે દોઢ લાખ જેટલા ચેકેડમ પણ બનાવ્યા છે.
નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, મે રાજનીતિને ખુબ નજીકથી જોઈ છે. દેશમાં અનેક નેતાઓએ ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કર્યો, નેતાઓએ ખેડૂતો માટે કશું જ કર્યું નથી. આઝાદ ભારતમાં ખેડૂતો માટે કોઈએ કામ કર્યુ હોય તો તે PM મોદી છે. કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. આ યોજના થકી દેશના 80 કરોડ લોકોને રાશન આપ્યું છે. કોરોનાકાળમાં કોઈ ભૂખ્યુ ન સુવે તેની ચિંતા પીએમ મોદીએ કરી હતી. આજ સુધી કોઈ નેતાઓએ ખેડૂતો માટે કંઇ વિચાર્યુ નથી. પીએમ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા કામ કર્યુ છે.
નડ્ડાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યાં છે. માત્ર ભાજપના નેતાઓ જ લોકો વચ્ચે જઈને કહીં શકે છે કે અમે આ કામો કર્યા છે. કાર્યકર્તાઓ ઈ સ્કૂટી લઈને ગામડાના લોકો વચ્ચે જશે. ગુજરાતની જનતા અને ખેડૂતોને ખ્યાલ છે કે કોણે એમના માટે કામ કર્યુ છે. નડ્ડાએ ખેડૂતોને ભાજપમાં જોડવા માટે મોબાઈલ ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ખેડૂતોના રોષને ઠારવા અને કેન્દ્ર-રાજ્ય સરકારે કરેલા ખેડૂતલક્ષી કામોની વિગતો ખેડૂતો સુધી પહોંચે એ માટે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયતની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ખુદ આ અભિયાનની શરૂઆત કરાવી છે.