Gujarat Election 2022: પોરબંદરમાં IRB જવાનો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગમાં બેના મોત, બે ઈજાગ્રસ્ત
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા આઈઆરબી જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે.
અજય શીલુ, પોરબંદરઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ વચ્ચે પોરંબદરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં ફાયરિંગની ઘટના બની હોવાની માહિતી મળી છે. જેમાં બે લોકોના મોત થયા છે.
પોરબંદરમાં આઈઆરબી જવાનો વચ્ચે ફાયરિંગ
પોરબંદર જિલ્લામાં ચૂંટણીની ડ્યૂટી પર ફરજ બજાવવા આવેલા I.R.B જવાનો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. પોરબંદરના નવી બંદર સાયકલોન સેન્ટર ખાતે આ જવાનો વચ્ચે ઝગડો થવાના સમાચાર છે. આ ઘર્ષણ બાદ ફાયરિંગ થયું હતું, જેમાં બે જવાનોના મોત થયા અને બેને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોરબંદરના નવી બંદર ખાતે આવેલા સાયક્લોન સેન્ટરમાં આ ઝગડો થવાની માહિતી છે. ઈજાગ્રસ્ત બંને જવાનોને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ પહોંચ્યા છે. ક્યા કારણે ઝગડો થયો હતો તે હજુ સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube