પ્રેમલ ત્રિવેદી, પાટણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સૌ કોઈ તૈયારીઓ કરી રહ્યું છે. કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તેના પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે. એવામાં ભાજપ તરફથી ઓબીસી નેતાઓને ચૂંટણીની તૈયારીઓનો અડકતરો સંકેત આપી દેવાયો છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને દિલીપ ઠાકોરએ ઓબીસી સમુદાયના મોટા ચહેરા છે. અને ભાજપ દ્વારા આ બન્નેને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાય તેવા સંકેતો આપી દેવામાં આવ્યાં છે. આ સંકેત બીજા કોઈએ નહીં પણ ખુદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે આપ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી.આર.પાટીલે જણાવ્યુંકે, અમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને પુરી રીતે તૈયાર છીએ. જોકે, કોને ટિકિટ આપવી અને કોને નહીં એ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નક્કી કરે છે. અલ્પેશ ઠાકારો અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં પણ પાટીલે અડકતરી રીતે સંકેત આપી દીધાં. સી.આર.પાટીલે જણાવ્યુંકે, અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે. એ જરૂર ઈલેક્શન લડે અને એ સીટ પરથી વિજયી થાય એવી એમને શુભેચ્છા આપીએ છીએ. દરેક પોતાના વિસ્તારમાંથી જ ચૂંટણી લડવા માંગતા હોય અને ત્યાંથી જ તૈયારીઓ કરતા હોય. રાધનપુર એમનો મતવિસ્તાર છે અને તેઓ ત્યાંથી ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.


ઉલ્લેખનીય છેકે, હાલમાં જ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતેની જાહેર સભામાં નિવેદન આપ્યું હતુંકે, મારે અહીં પરણવું છે તમારે મને પરણાવવાનો છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે નેતાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. હવે ભાજપ નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને પાર્ટી હાઈકમાન્ડ તરફથી એક પ્રકારે લીલી ઝંડી મળી ગઈ છે.


વધુમાં સી.આર.પાટીલે જણાવ્યુંકે, દિલીપભાઈ ઠાકોર પણ અમારા સિનિયર નેતા છે. ખુબ સારા આગેવાન છે. કેબિનેટમંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. તેઓ પણ તેમના વિસ્તારમાં ચૂંટણી લડશે અને જીતશે. ઉલ્લેખનીય છેકે, દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે. ત્યારે આ વખતે તેમને ફરી એકવાર ચાણસ્માથી ચાન્સ આપવાનું પાર્ટીએ નક્કી કરી લીધું હોય તેવો સંકેત પાટીલે આપી દીધો છે. આડકતરી રીતે આ નેતાઓ અને તેમના સમર્થકોને પણ પુરા દમખમ સાથે ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાનો પણ સંકેત આપી દીધો છે.