Gujarat Election 2022: દિવાળી બાદ ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં મતદાન અને હિમાચલ સાથે આવશે પરિણામ!
Gujarat Election: 14મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023ના સમાપ્ત થઈ શકે છે. આ પહેલા 182 સીટોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજાઈ હતી.
અમદાવાદઃ Gujarat Assembly Election 2022: દિવાળી બાદ એટલે કે આ મહિનાના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરના અંતમાં અને બીજા તબક્કાનું મતદાન 4 કે 5 નવેમ્બરે થઈ શકે છે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરી હિમાચલની સાથે 8 ડિસેમ્બરે થઈ શકે છે. નોંધનીય છે કે 14મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના સમાપ્ત થવાનો છે. આ પહેલાં 2017માં ગુજરાતમાં 182 વિધાનસભા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 99 સીટો સાથે સત્તામાં વાપસી કરી હતી.
હિમાચલ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને હવે બધાની નજર ગુજરાત ચૂંટણીની તારીખો પર છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કાનું અને 4 કે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરી હાથ ધરાશે. નોંધનીય છે કે ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખ પ્રમાણે હિમાચલમાં મત ગણતરી 8 ડિસેમ્બરે થવાની છે.
આ પણ વાંચોઃ બાપુનગરમાં આ વખતે કોની છે બોલબાલા? ભાજપ-કોંગ્રેસ અને આપ અહીં ચાલશે કોનું રાજ
ચૂંટણી પંચે પૂરી કરી તૈયારી
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભા માટે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. પંચ ગમે ત્યારે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચની ટીમ ગુજરાતનો પ્રવાસ પણ કરી ચુકી છે અને તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. તો બીજી તરફ ગુજરાતની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓએ પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. તમામ પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી સામે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપનું સમીકરણ બગાડવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ વટવા વિધાનસભામાં આ વખતે કોનો પડશે વટ? જીતની હેટ્રીક માટે ભાજપ કોને ઉતારશે મેદાને?
આ હતું 2017ની ચૂંટણીનું પરિણામ
ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે, જેમાં 40 સીટ અનામત છે. તેમાંથી 13 સીટો અનુસૂચિત જાતિ માટે અને 27 સીટો અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ માટે અનામત છે. ભાજપે 2017ની ચૂંટણીમાં 99 સીટો જીતી હતી. તો કોંગ્રેસના ખાતામાં 77 સીટ આવી હતી. આ સિવાય બે સીટો ભારતીય ટ્રાઇબલ પાર્ટી, 1 સીટ એનસીપીને મળી હતી. તો ત્રણ સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube