Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ ટર્મ જ્યાંથી ધારાસભ્ય રહ્યા છે તે બેઠક એટલે અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની. આ બેઠક હંમેશા ભાજપને વફાદાર જ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કરેલા વિકાસની છબી મણિનગર વિસ્તારમં જોવા મળે છે. આ વિકાસ જ કારણ છે કે, આ બેઠક સતત ભાજપનો ગઢ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,76,044 મતદારો છે જેમાં 1,43,381 પુરુષ મતદારો, 1,32,656 સ્ત્રી મતદારો અને 7 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અહીં મોટાભાગે મધ્યમવર્ગના અને ઉચ્ચ મધ્યમવર્ગના મતદારો વસે છે. જેઓ તેમના માટે થયેલા કામને જોઈને મત આપે છે. અહીં સવર્ણ મતદારોનું પ્રભુત્વ છે. વણિક, પાટીદાર, બ્રાહ્મણ સહિતની ઉજળિયાત કોમ સાથે ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદાતાઓનુ આ બેઠક પર પકડ ધરાવે છે.


મણિનગર બેઠકનો ઈતિહાસ
વર્ષ      વિજેતા ઉમેદવાર       પક્ષ

2017    સુરેશ પટેલ           ભારતીય જનતા પાર્ટી
2014    સુરેશ પટેલ           ભારતીય જનતા પાર્ટી
2012    નરેન્દ્ર મોદી          ભારતીય જનતા પાર્ટી
2007    નરેન્દ્ર મોદી         ભારતીય જનતા પાર્ટી
2002    નરેન્દ્ર મોદી         ભારતીય જનતા પાર્ટી
1998    કમલેશ પટેલ     ભારતીય જનતા પાર્ટી
1995    કમલેશ પટેલ     ભારતીય જનતા પાર્ટી
1990    કમલેશ પટેલ     ભારતીય જનતા પાર્ટી
1985    રમાલાલ રુપાલા    કોંગ્રેસ
1980    રમાલાલ રુપાલા    કોંગ્રેસ
1975    બારોટ નવિનચંદ્ર    RMP


વર્ષ 2012 અને 2014ના પરિણામો-
2012માં નરેન્દ્ર મોદી અહીંથી લડ્યા હતા અને 1 લાખ 20 હજાર 470 મતથી પ્રચંડ જીત મેળવી હતી. નરેન્દ્ર મોદીની સામે લડેલા ઉમેદવારને તેમના કરતા ત્રીજા ભાગના મત પણ નહોતા મળ્યા. જો કે, 2014ની લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ બેઠક ખાલી પડી અને વર્ષ 2014માં પેટાચૂંટણી થઈ. જેમાં ભાજપના સુરેશ પટેલ જંગી બહુમતિથી જીત્યા હતા.


વર્ષ 2017ના પરિણામો-
વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપે અહીંથી સુરેશ પટેલને ફરી રીપિટ કર્યા અને ઈતિહાસનું પુનરાવર્તન કરતા સુરેશભાઈ પટેલ અહીંથી ફરી મોટા માર્જિનથી જીત્યા. સુરેશભાઈની સામે અન્ય ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ત્રણની ડિપોઝિટ ડૂલ થઈ હતી.


વર્ષ 2022માં શું થશે?
વર્ષ 2022માં આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભાજપે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અમૂલ ભટ્ટને અહીંથી ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સી.એમ. રાજપૂતને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટી તરફથી વિપુલ પટેલ મેદાનમાં છે. ભાજનપો ગઢ ગણાતી આ બેઠક હવે ભાજપ જાળવી રાખશે કે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી બાજી મારશે તે તો 8 ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે.