કોક્રોચ, યમરાજ, મોતના સોદાગર બાદ કોંગ્રેસના નેતાએ PM મોદીને રાવણ કહ્યાં! ભાજપે કહ્યું જનતા જવાબ આપશે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા જોવા મળી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પ્રચાર સંબાને સંબોધતી વખતે પ્રધાનમંત્રી મોદીને રાવણ કહ્યાં. ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરતાની સાથે નવો વિવાદ છેડાયો...
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અમદાવાદના દાણીલીમડામાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યું. મલ્લિકાર્જન ખડગેએ પીએમ મોદીને રાવણ સાથે સરખાવ્યાં. મલ્લિકાર્જૂને ભાષણ દરમિયાન જણાવ્યુંકે, તમે તો પ્રધાનમંત્રી છો, તમને જે કામ મળ્યું છે એ કરવું જોઈએ. હંમેશા જુઠુ બોલો છો. તમારો ચહેરો જોઈને બધી ચૂંટણીઓમાં પબ્લિક તમને વોટ શું કામ આપે. રાવણની જેમ શું તમારા 100 મુખ છે. કે તમારે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બધી ચૂંટણીમાં મોદીજી તમારો ચહેરો જોઈને જ લોકો ભાજપને વોટ આપે. ગુજરાતે ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હોત તો PMએ ન આવવું પડતું. PM જુઠ બોલનારના બાદશાહ , જુઠ પર જુઠ બોલે છે. રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના સિનિયર લીડર અશોક ગેહલોત અને રઘુ શર્મા પણ આ સભામાં હતા હાજર....
ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કરી કહ્યું, આ ગુજરાતનું અપમાન છે. કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના દાણીલીમડામાં ચૂંટણી સભા કરે છે અને સભા દરમિયાન ભાષા પરથી પોતાનો કંટ્રોલ ગુમાવી બેસે છે. તેમણે પ્રધાનમંત્રી મોદીની રાવણ સાથે તુલના કરી છે અને આ વાતએ ગુજરાતનું અપમાન છે. આ વાતએ ગુજરાતના દિકરાનું અપમાન છે. આ પહેલાં પણ કોંગ્રેસે પીએમ મોદીને મૌતના સોદાગર કહ્યાં હતાં. કોંગ્રેસ સતત ગુજરાત અને ગુજરાતના દિકરાનું અપમાન કરતી આવી છે. જનતા તેને જવાબ આપશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યુંકે, મોદીજી અને ભાજપના નેતાઓ કોંગ્રેસના સિનિયર નેતાઓ, નહેરુજી અને ઈન્દિરા ગાંધીનું પણ અપમાન કરે છે. તમે અમારી નેતાને સુરપંખા કહો છો તો અમે સહન કરીએ પણ અમે જવાબ ન આપીએ એવું કઈ રીતે બને. તમે કિચળ ઉછાળશો તો જવાબ તો તમને પણ મળશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યુંકે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પીએમ મોદીને રાવણ કહ્યાં છે. આ દરેક ગુજરાતીનું અપમાન છે. આ નિવેદન ખડગેનું નથી આ નિવેદન ગાંધી પરિવારનું છે. આ નિવેદન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું છે. સૌથી પહેલાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સૌદાગર કહીને સંબોધ્યા હતાં. આ પહેલાં કોંગ્રેસે મોદીજીની ઓકાદ દેખાડવાની વાત કરી હતી. આ પહેલાં મોદીજીને કોક્રોંચ, યમરાજ, ક્રુર પ્રધાનમંત્રી કહીને કોંગ્રેસે તેમનું અપમાન કર્યું છે.
કોંગ્રેસના નેતા ડો.અમિત નાયકે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, લોકશાહીની જાળવણી કોંગ્રેસની સરકારે કર્યું છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન મનમોહનસિંહ ને મોનીબાબા કહેતા હતાં. સોનિયાજીને ગુંગુ ગુડિયા અને ઈટાલિયન મા કહીને તેમનું અપમાન કરતા હતા. તેમની ગરીમા નહોતી રાખવામાં આવતી.
ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આવું બોલે તે સહેજ પણ ન ચાલે. ગુજરાતની જનતા જાણે છે કે આનો જવાબ કેવી રીતે આપવો. મોદી સાહેબનું તપ અને પરિશ્રમ ગુજરાતની જનતા માટે છે. ગુજરાતની જનતા જ આ અપમાનનો જવાબ આપશે. આ પહેલાં મધુસુદન મિસ્ત્રીએ પણ પીએમ મોદીનું અપમાન કર્યું હતું. કોંગ્રેસ ડૂબી ગઈ છે. કોંગ્રેસ પાસે આગેવાનો નથી. કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. કોંગ્રેસે કામ બોલે છે એવા બોર્ડ લગાવ્યાં, પણ 30 વર્ષથી સત્તામાં નથી તો કયા કામ બોલે છે.