Gujarat Election 2022: પ્રધાનમંત્રી મોદીએ નેત્રંગમાં બે આદિવાસી બાળકો સાથે કરી મુલાકાત, જાણો કોણ છે જય અને અવિ
Gujarat Election 2022: પ્રધાનમંત્રી મોદીએ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધતા પહેલા બે આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જાણો કોણ છે આ બે આદિવાસી બાળકો...
ભરૂચઃ ગુજરાતમાં હવે પ્રથમ તબક્કાના મતદાનમાં માત્ર ત્રણ દિવસનો સમય બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે. પીએમ મોદીએ ભરૂચના નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી સભા પહેલા બે ખાસ બાળકો સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ અવિ અને જય નામના બે આદિવાસી ભાઈઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બાળકો સાથે પીએમ મોદીની તસવીર હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.
કોણ છે આ બંને બાળકો
પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે આદિવાસી વિસ્તાર નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ સભા પહેલા પીએમ મોદીએ બે આદિવાસી ભાઈઓ અવિ અને જય સાથે મુલાકાત કરી હતી. આ બંને બાળકો અનાથ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પણ આ બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે છ વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ આ બંને બાળકોની મદદ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે હું સભામાં થોડો મોળો પડ્યો છું. મારે બે બાળકો સાથે મુલાકાત કરવાની છે. અવિ નવમાં ધોરણમાં અને જય છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બંને આદિવાસી બાળકો છે. આ બંને ભાઈઓના માતા-પિતા છ વર્ષ પહેલા બીમારીને કારણે ગુજરી ગયા હતા. છ વર્ષથી આ બંને ભાઈઓ એકબીજાને મદદ કરીને જીવી રહ્યાં હતા. મારા ધ્યાને આ બંને ભાઈઓનો એક વીડિયો આવ્યો હતો. ત્યારબાદ મેં સીઆર પાટિલને ફોન કર્યો અને આ બે બાળકોનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. આ બંને બાળકોને ઘર બનાવી આપવામાં આવ્યું છે. તેમના ઘરમાં દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ બાળકો આજે મને મળવા આવ્યા હતા.
આ પણ વાંચોઃ કોંગ્રેસના ઓકાત દેખાડી દેવાના નિવેદન પર પીએમ મોદીએ ખેડામાં આપ્યો જવાબ, કહ્યું કે...
પીએમ મોદી સાથે મુલાકાત બાદ શું બોલ્યા બંને ભાઈઓ
બંને ભાઈઓએ કહ્યું કે, પીએમ મોદી સાથે મુલાકાત કરી અમને સારૂ લાગ્યું છે. અમારી સાથે પીએમ મોદીએ વાત પણ કરી હતી. બંને ભાઈઓએ કહ્યું કે, માતા-પિતાના નિધન બાદ અમે અનાથ હતા. પીએમ મોદીએ પણ બંને બાળકો સાથે વાત કરીને કહ્યું કે, કેવું ચાલે છે. તમારૂ ઘર બની ગયું છે. પીએમ મોદીએ બાળકોને મોટી સ્કૂલમાં ભણવા માટે પણ કહ્યું છે. પીએમ મોદીએ બંને બાળકોને આગળ શું કરવું છે તે પણ વાત કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube