અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાગે અત્યાર સુધીની સૌથી મોટી પછડાટ આવી છે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠક જીતી છે. ત્યારે હવે પક્ષમાં હારની જવાબદારી પર સંગ્રામ સર્જાયો છે. રાધનપુરથી હારેલા રઘુ દેસાઈએ પોતાની હાર માટે પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા છે. આ માટે તેમણે કેન્દ્રીય નેતૃત્વને પણ ફરિયાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનું ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન
છેલ્લા ઘણા સમયથી પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. માત્ર 17 બેઠકો સાથે કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. આ પરિણામો બાદ કોંગ્રેસ હવે ફરી બેઠી થઈ શકશે કે નહીં, તે મોટો સવાલ છે. 


રઘુ દેસાઈએ લગાવ્યા ગંભીર આરોપ
એવામાં હવે રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે. તેમનો આક્ષેપ છે કે જગદીશ ઠાકોરે તેમને હરાવવાના હેતુસર ચોક્કસ કામગીરી કરી હતી. રઘુ દેસાઈએ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની હાર માટે પણ જગદીશ ઠાકોરને જવાબદાર ગણાવ્યા છે. આ માટે તેમણે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને ફરિયાદ પણ કરી છે.


આ પણ વાંચોઃ કાર્યભાર સંભાળતા એક્શનમાં હર્ષ સંઘવી, પોલીસ વિભાગના અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક


જગદીશ ઠાકોરે આપ્યો જવાબ
તો આ તરફ જગદીશ ઠાકોરે રઘુ દેસાઈના આક્ષેપોને ફગાવી દીધા છે, તેમણે રઘુ દેસાઈ પર હાર ન પચાવી શકવા બદલ ખોટા આક્ષેપ કરવાનો અને તેમના પીએ સાથે અયોગ્ય રીતે વાત કરવાનો આક્ષેપ કર્યો. 


રાજ્યમાં ઘણી બેઠકો પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. જો કે રાધનપુરમાં જંગ સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હતો. 2019ની પેટાચૂંટણીમાં જીતેલા રઘુ દેસાઈને આ વખતે 82  હજાર 45 મત મળ્યા, જ્યારે ભાજપનાં લવિંગજી ઠાકોરને એક લાખ ચાર હજાર 512 મત મળ્યા..


આમ પહેલી વાર નથી થયું જ્યારે જગદીશ ઠાકોર પર કોંગ્રેસના કોઈ નેતાએ આક્ષેપ કર્યા હોય. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કામિનીબા રાઠોડે પણ જગદીશ ઠાકોરના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જગદીશ ઠાકોર પર વ્હાલાદવલાંની નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો.


આ પણ વાંચોઃ ગુજરાત સરકારના કેટલાં મંત્રી કરોડપતિ? કેટલાં ઓછું ભણેલાં? કેટલાં સામે ગુનો દાખલ?


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળવાનો દાવો કરતા જગદીશ ઠાકોર પરિણામ બાદ ફક્ત હાર સ્વીકારવા જ સામે આવ્યા હતા. જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા એટલે કે ત્રીજી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતમાં કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. તેમના પર કોંગ્રેસને ચૂંટણી માટે તૈયાર કરવાની મોટી જવાબદારી હતી. જો કે તેઓ આમ નથી કરી શક્યા...તેમના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમના નામ સાથે ગુજરાતમાં કોંગ્રેસના સૌથી નબળા પ્રદર્શનનો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. કોંગ્રેસ 77 બેઠકો પરથી સીધી 17 બેઠકો પર આવી ગઈ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube