Gujarat Election 2022, ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રિયમંત્રી રૂપાલાએ લુણાવાડા બેઠક પર પક્ષ છોડી અપક્ષમાં જનારને આડે હાથ લીધા હતા અને જાહેર સભામાં ઝાટકણી કાઢી હતી. લુણાવાડામાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલના બળવાખોરો પર પ્રહાર કરતા કહ્યું તમારા નામે મત માગો તો ખબર પડે કેટલા પાણીમાં છો. લોકોને કહ્યું આવા ગદ્દારોથી ચેતીને રહેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવકના સમર્થનમાં કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મધવાસ ખાતે જંગી સભાને સંબોધતા પ્રચંડ બહુમતિથી લુણાવાડા બેઠક પર જીગ્નેશ સેવકને જીતાડી ગાંધીનગર મોકલવા અપીલ કરતા જણાવ્યું કે પહેલી વખત જ્યારે હું આવ્યો હતો ત્યારે જિગ્નેશ સેવકના કામનો અનુભવ નહોતો હવે તો સેવકનું કામ પણ સેવક જેવું છે. એનો અનુભવ તો બધાએ કર્યો હશે. હમણાં હમણાં અપક્ષ ઉમેદવારો વાતો ફેલાવે છે કે મતદારો હમણાં અમને મત આપો પછી અમે ભાજપમાં જ આવવાના છીએ. તો તમારે ભાજપમાં જ જવું છે તો અત્યારે જ ભાજપના ભેગા જ બેસો ને..


પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ચોરી કરવા આવે એ એમ કરે ખરો કે હમણાં ચોરી કરી લઈ જાયને પછી પાછા આપી જાય એટલે આવા લોકોથી ચેતજો. ભાજપે એમને ઘણું આપ્યું હતું પણ એમણે ભાજપ સાથે ગદ્દારી કરી છે. અત્યારે અમુક નાની નાની ચીજો હમણાં એમ કહે છે કે અમે એમનેમ થોડા નીકળ્યા છીએ. અમારી સાથે પીઠબળ મોટું છે, તો પીઠબળવાળાને આગળ કરીને જુવો તો ખબર પડે, એકવાર જેને સસ્પેન્ડ કર્યા એ કેન્સલ કરાવી તો જુવો. તમે તમારા નામે મત માંગી જુવો ભાજપના નામે શું નીકળી પડ્યા છો તેમ જણાવી ભાજપ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરનારને આડે હાથ લઈ આવા લોકોની પક્ષમાં કોઈ સ્થાન નથી તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. 


તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને મૂળિયા સાથે ઉખાડી નાખવા અપીલ કરી હતી. વધુમાં તેમણે મોદી સરકારની આયુષ્માન ભારત સહિતની જનકલ્યાણકારી યોજનાઓ વિષે તેમના આગવા અંદાજમાં લોકોને રસ તરબોળ કર્યા હતા. યુક્રેનના ઉદાહરણ સાથે નરેન્દ્રભાઇ મોદીએ સાચા અર્થમાં ભારત દેશનું નામ વિજય વિશ્વ તિરંગા પ્યારા કરી બતાવ્યું છે. તેમણે પાંચમી ડિસેમ્બરે પહેલું કામ પતિ પત્નીને લક્ષ્મીનારાયણ સ્વરૂપે તેમજ યુવાવર્ગને જંગી મતદાન કરવા અપીલ કરી હતી.


આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, લુણાવાડા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્યો કાળુભાઇ માલીવાડ, હીરાભાઈ પટેલ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.