Gujarat Election Exit Poll News : બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઉત્તર ગુજરાતની એ પાંચ બેઠકો પર છે, જ્યાં કાંટાની ટક્કર હતી. પક્ષની સાથે ઉમેદવારોની કિસ્મત પણ દાવ પર હતી. ત્યારે આ બેઠકો પર થયેલું મતદાન શું સૂચવે છે, જોઈએ આ અહેવાલમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. એમાં પણ પાંચ બેઠકો પર તો જંગ પક્ષથી વધારે ચહેરાઓ વચ્ચે હતો. આ બેઠકોમાં થરાદ, વડગામ, વિરમગામ, ગાંધીનગર દક્ષિણ અને વીસનગરનો સમાવેશ થાય છે. તમામ બેઠકો પર મતદાન ઓછું થયું છે, જો કે પાંચ ચહેરાઓ પર સૌની નજર છે. 


થરાદ બેઠક 
સૌથી પહેલા જો થરાદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર છે તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ છે. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે  ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે. 2017માં 86.15 ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો 2019ની પેટાચૂંટણીમાં 68.94 ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં 10 ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર 85.02 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્વાસ છે.


વડગામ બેઠક 
તો આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપ જીત્યું હતું, તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે, ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે, તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.


ગાંધીનગર બેઠક
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભાવિનો સવાલ હતી. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા, જો કે તેમની ઈચ્છા પૂરી ન થઈ. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012માં 73.45 ટકા અને 2017માં 70.73 ટકા મતદાન થયું હતું. બંને વખત આ બેઠક ભાજપને ફાળે આવી. જો કે આ વખત અહીં મતદાન ઘટીને 62.2 ટકા થયું છે. મતદાનમાં ઘટાડો કોંગ્રેસને ફળે છે કે ભાજપને એ મોટો સવાલ છે. જો કે એ વાત નક્કી છે કે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી બચી જશે. 


વિરમગામ બેઠક
હવે આવીએ અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર. જ્યાં હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા છે. હાર્દિક પટેલે પોતાના વતનમાંથી ચૂંટણી ભલે લડી, પણ તેમની સામે પડકારો ઘણા હતા. 2012 અને 2017માં વિરમગામમાં 68 ટકા મતદાન થયું છે, બંને વખત જીત કોંગ્રેસની થઈ છે. જો કે આ વખતે મતદાન ઘટીને 63.95 ટકા રહી ગયું છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે 2012ની સરખામણીમાં 2017માં કોંગ્રસની લીડમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની ઘટતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની પરીક્ષા છે. 


વીસનગર બેઠક
મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. 2017માં અહીં 74.75 ટકા મતદાન થયું હતું, જે આ વખતે ઘટીને 69 ટકા થયું છે. 2012માં ઋષિકેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2,869 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. ત્યારે આ વખતનું ઓછું મતદાન નવા સમીકરણો રચે છે કે કેમ તેના પર સૌની નજર છે.