Gujarat Election Result 2022: આપની હાર માટે આ કારણો જવાબદાર, માત્ર 5 બેઠકમા સંતોષ માનવો પડ્યો
ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી જીતવા પહોંચેલી આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. અરવિંજ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાના દાવા કર્યાં હતા. પરંતુ પરિણામમાં કેજરીવાલના દરેક દાવા હવામાં ઉડી ગયા છે. આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે.
અમદાવાદઃ Gujarat Assembly Election Result: જાણો આમ આદમી પાર્ટીએ કઈ 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. આપના જે પાંચ ઉમેદવારો જીત્યા છે તેમાં, બોટાદ વિધાનસભાના ઉમેશ મકવાણાની જીત થઈ છે. જ્યારે ગારીયાધાર બેઠક પર સુધીર વાઘાણીની જીત થઈ છે. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ છે. વિસાવદર બેઠક પર ભુપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે. ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ છે.
વિધાનસભાની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી જરૂર નોંધાવી છે, પણ આપ જેટલી ગરજી હતી, તેટલું વરસી ન શકી. ત્યાં સુધી કે પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદના ઉમેદવારે પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આપે ક્યાં કાચુ કાપ્યું....
પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા કેજરીવાલે લેખિતમાં આપની જીતની ભવિષ્યવાણી કરી હતી. જો કે જીત તો દૂર આપ બે આંકડામાં બેઠકો પણ જીતી નથી શકી...
કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિતના આપના નેતાઓએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. અનેક રોડ શો અને રેલીઓ યોજી હતી. જો કે આ કવાયત જીતમાં પરિવર્તિત ન થઈ શકી. આપના પાંચ ઉમેદવારો જ જીતી શક્યા છે. આપને ઝટકો એટલા માટે લાગ્યો છે કે પક્ષના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ હારન સામનો કરવો પડ્યો છે. જો કે પાંચ બેઠકો જીતીને ગુજરાતના રાજકારણમાં પ્રવેશવા બદલ આપના નેતાઓ ખુશ છે.
ગુજરાતમાં સતત જીતના દાવા કરતા કેજરીવાલે પણ હાર સ્વીકારી છે, સાથે જ સમર્થન આપવા બદલ ગુજરાતના લોકોનો આભાર પણ માન્યો...ભાજપનો કિલ્લો ભેદ્યાનો સંતોષ વ્યક્ત કરીને તેમણે હવે કિલ્લો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બુધવારે દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત આણીને ભવ્ય જીત મેળવી હતી. જો કે ગુજરાતમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હાર છતા ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક મોટો ફાયદો થયો છે. ગુજરાતની ચૂંટણીના પરિણામો બાદ આપ દેશનો આઠમો રાષ્ટ્રીય પક્ષ બન્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતની દરેક સીટનું પરિણામ જાહેર, જાણો તમામ 182 સીટો પર કોણ જીત્યું
કોઈ પણ સ્થાનિક પક્ષે રાષ્ટ્રીય પક્ષ બનવા માટે કેટલાક માપદંડ પર ખરા ઉતરવું પડે છે. જો કોઈ પક્ષ ત્રણ જુદા જુદા રાજ્યોમાં લોકસભાની બે ટકા બેઠકો જીતે. કે પછી કોઈ પક્ષ લોકસભાની 4 બેઠકો ઉપરાંત લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ચાર રાજ્યોમાં 6 ટકા વોટ મેળવે. કે પછી કોઈ પક્ષને ચાર કે તેથી વધુ રાજ્યોમાં ક્ષેત્રીય પક્ષ તરીકે માન્યતા મળી હોય તો તેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 13 ટકા જેટલા મત મળ્યા છે.
ગુજરાતમાં આપની હારના કારણો પર નજર કરીએ તો, કેજરીવાલે પોતાના પ્રચારને મુદ્દાલક્ષી ઓછો બનાવ્યો અને મફતના વાયદા કેન્દ્રીત વધુ બનાવ્યો. જેને ગુજરાતની જનતાએ સ્વીકાર્યો નહીં. આપ પાસે પ્રદેશમાં મોટા ચહેરાઓની અછત હતી. આપને તેના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાનો વાણીવિલાસ પણ ભારે પડ્યો છે. રાજ્યમાં પૂરતું સંગઠન ન હોવાથી પણ આપને નુકસાન થયું છે. આપના ઉમેદવારો લોકોને આકર્ષી ન શક્યા. ભાજપ સામે AAPના નેતાઓના રાજકીય અનુભવનો પનો ટૂંકો પડ્યો.
જો કે ભાજપની આંધી વચ્ચે પણ આપના પાંચ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. આપે જામજોધપુર, ગારિયાધાર, ડેડિયાપાડા, વીસાવદર અને બોટાદમાં જીત મેળી છે. આમ આદમી પાર્ટીએ ભલે હારનો સામનો કરવો પડ્યો, પણ તેણે કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી છે. એ વાતમાં બેમત નથી...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube