Gujarat Election: ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસમાં ફરીથી ધારાસભ્યો તૂટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે (ગુરુવાર) ભાજપમાં જોડાશે. આવતી કાલે હર્ષદ રીબડિયા કમલમ ખાતે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે. તમને જણાવી દઈએ કે મંગળવારે હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યાના નિવાસસ્તાને જઈને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. હવે એવા તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.



હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'અમે ચિંતન કરીશું આ પરિસ્થિતિનું', 'કોઈના જવાથી કંઈ અટકતું નથી. ભાજપ પાસે સારા ચહેરા નથી એટલે કોંગ્રેસ તોડે છે. કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજનીતિમાં આવ-જા થતી રહેતી હોય છે. પ્રજાને આપેલા વચનોનો દ્રોહ ન કરી શકાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરે છે. આગામી ચૂંટણીમાં ભાજપને હારની આશંકા છે, એટલે જ પક્ષ પલટા કરાવી રહ્યા છે.


મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન બની ગઈ છે. હું ગદ્દાર નથી. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને યાત્રા દક્ષિણ ભારતમાં ચાલી રહી છે. 


ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડિયાએ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડી હતી. વિસાવદર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતરેલા રિબડિયાએ ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને હરાવ્યા હતા. હર્ષદ રિબડિયાને 81882 મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં હર્ષદ રિબડિયાને 54.69 મત તો ભાજપના ઉમેદવારને 39.26 ટકા મત મળ્યા હતા. 


હજુ આ ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે
જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તે મુજબ હજુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જેમાં જામજોધપુરના ધારાસભ્યો ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા અને ધોરાજીના લલિત વસોયાની ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે થોડી કલાકો પહેલા લલિત વસોયાએ નિવેદન પણ આપ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું, ભાજપમાં જોડાવાનો નથી.