ભરત ચુડાસમા, ભરૂચઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ટિકિટોનો વહેચણી પણ કરવામાં આવી. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ત્યારે દરેક પક્ષ એક મજબૂત ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવાનું પસંદ કરે છે. એવામાં ભરૂચ અને અંકલેશ્વરની બેઠક પર દરેક પક્ષે ધનકુબેરોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. અહીં કોઈ સામાન્ય માણસ ચૂંટણી નથી લડી રહ્યું. આ બન્ને બેઠકો પર ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી AAP અહીં દરેક પક્ષે કરોડપતિ ઉમેદવારોને જ મેદાન-એ-જંગમાં ઉતાર્યા છે. ધોરણ 11 પાસ BJPના રમેશ મિસ્ત્રી છૂટક કોન્ટ્રકટર તરીકે કામ કરે છે. જ્યારે પાંચ ચોપડી પાસ કોંગ્રેસના જયકાંત પટેલ ખેડૂત છે અને વેપાર કરે છે. બીજી તરફ AAPના મનહર પરમાર કોલેજના બીજા વર્ષ સુધી ભણ્યા છે અને પોતાનો વ્યવસાય સંભાળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ઉમેદવાર : 8 દુકાન, મકાન અને 16 તોલા સોનું-
વર્ષ 2002 માં ધારાસભ્ય રહી ચૂકેલા BJPના 60 વર્ષીય ઉમેદવાર રમેશ મિસ્ત્રી ધોરણ 11 પાસ છે. છૂટક કોન્ટ્રકટર છે. જેમની સામે બે પોલીસ કેસ થયેલા છે. આ વખતે રીટર્નમાં તેમની આવક રૂ. 2.17 લાખ અને પત્નીની રૂ. 5 લાખ બતાવી છે. તેમના પત્ની સસ્તા અનાજની દુકાનના સંચાલક છે. બન્ને પાસે સંયુક્ત 16 તોલા સોનું, 8 દુકાન, મકાન મળી કુલ રૂપિયા 1.96 કરોડની સંપત્તિ છે. જોકે એક પણ બેંક લોન કે દેવું નથી.


કોંગ્રેસના ઉમેદવાર : ખેતીની જમીનો સહિત રૂ. 3.88 કરોડની મિલકતો, 8 લાખની બેંક લોન-
કોંગ્રેસના 59 વર્ષીય ઉમેદવાર જયકાંત પટેલ અંકલેશ્વરના માંડવા ગામમાં રહે છે. તેઓ ધોરણ 5 સુધી ભણેલા છે. ખેતી અને વેપાર કરે છે. પત્ની પાસે 20 તોલા સોનુ છે. ખેતીની જમીન, રહેણાંક મળી તેમની પાસે કુલ રૂપિયા 3.88 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. ફાઇલ કરેલા રીટર્નમાં રૂપિયા 5.43 લાખની આવક આ વર્ષે બતાવી છે. માથે રૂ. 8 લાખની બેંક લોનની જવાબદારી છે.


AAPના ઉમેદવાર પાસે રૂપિયા 1.39 કરોડની સંયુક્ત સંપત્તિ-
આપના 63 વર્ષીય મનહર પરમાર સેલ્ફ બિઝનેસ કરે છે. તેમની પત્ની ખેડૂત અને ટ્રેડર છે. રીટર્ન ફાઇલમાં તેમની આવક રૂ. 4.84 લાખ અને પત્નીની 3.21 લાખ દર્શાવી છે. તેમની પાસે 14 લાખની કાર, મકાન, ખેતી જમીન, કુલ 30 તોલા સોનું સહિત પતિ-પત્નીના નામે રૂ. 1.39 કરોડની મિલકત છે. જ્યારે પત્નીની 5 લાખની ગોલ્ડ લોન અને તેમની 25 હજારની કાર લોનનું દેવું દર્શાવ્યું છે.

અંકલેશ્વર વિધાનસભા બેઠકના તમામ ઉમેદવાર કરોડપતિ, એક પણ અપક્ષ ઉમેદવાર નહીં, ત્રણે ઉમેદવાર શિક્ષિત છે. ભાજપના 4 ટર્મથી ધારાસભ્ય ઈશ્વર પટેલ પાસે રૂ.4.78 કરોડની મિલકત છે. કોંગ્રેસના વિજય પટેલની નાના ભાઈ કરતા અડધી સંપત્તિ છે. આપના યુવા ઉમદેવાર અંકુર પટેલ પણ 1.74 કરોડના આસામી છે.


અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારની બેઠક ઉપર છેલ્લી 4 ટર્મથી BJP ના ઈશ્વર પટેલ જીત મેળવી રહ્યા છે. પાર્ટીએ આ વખતે પણ તેમને ટિકિટ આપી છે. જોકે તેમની સામે કોંગ્રેસમાંથી સગા મોટા ભાઈ વિજય પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તો બે સગા ભાઈઓ સામે આપના યુવા ઉમેદવાર અંકુર પટેલ છે. અંકલેશ્વર બેઠક ઉપર એક પણ અપક્ષ ઉમેદવારી નોંધાઇ નથી.


ભાજપના ઉમેદવારનું આયોજન બદ્ધ રોકાણ, કરે છે ખેતી-
પાંચમી ટર્મ માટે BJP ની ટિકિટ મેળવનાર 57 વર્ષીય ઈશ્વર પટેલ બી.એ. LLB થયેલા છે. તેઓએ આ વખતે 17.85 લાખનું રીટર્ન ભર્યું છે. તેમનું અને તેમની પત્નીનું એફ.ડી., બેંક, શેર, એલઆઇસીમાં સારું એવું રોકાણ છે. કુલ 34 તોલા સંયુક્ત સોનુ છે. બે કાર , બે ટુ વ્હિલર ધરાવે છે. ખેતીની જમીન, રહેણાંક, પ્લોટ મળી ₹4.78 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ છે. જ્યારે તેમના નામે 38.11 અને પત્નીના નામે 36.09 લાખની બેંક લોન રહેલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી બતાવ્યો છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube