ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસ પણ પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ''ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર'' યાત્રા કાઢી હતી. રાજકોટના બહુમાળી ભવન ચોકથી "કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર" યાત્રાનો પ્રારંભ થયો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે નીકળેલી યાત્રા ખોડલધામ, ગાંઠીલા અને સીદસર મંદિરે જશે. ત્યારે ચૂંટણી માટે મતદારોને રીઝવવા કોંગ્રેસ પાટીદાર સમાજના શરણે ગયું છે. કોંગ્રેસની યાત્રા ખોડલધામ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના નેતાઓએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. બંધ બારણે બેઠક કરતાં રાજકીય વર્તુઓમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બંને આગેવાનો વચ્ચે બેઠક થતા ચર્ચાએ જોર પકડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરની ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય લલીત વસોયા, પ્રતાપ દૂધાત, ભીખાભાઇ જોશી, ધારાસભ્ય અમરીશ ડેર, કેશોદના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના યાત્રા ખોડલધામ પહોંચી ત્યારે નરેશ પટેલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતું. જેના બાદ ખોડલધામ મંદિર ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના મત અંકે કરવા કોંગ્રેસ દ્વારા આ યાત્રા કાઢવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 125 સીટો આવશે. પાટીદાર સમાજ સહિતના ધાર્મિક સ્થળોએ આ યાત્રા જશે. 
-



દરેક સમાજને વસ્તી આધારે ટીકીટ મેળવવાનો અધિકાર - નરેશ પટેલ 
તો આ બેઠક અંગે પાટીદાર નેતા નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટ ખાતે કોઈ પણ વ્યક્તિ દર્શન માટે આવી શકે છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર નેતાઓ સાથે બેઠક થઈ છે. અહીંથી નીકળતા હતા ત્યારે મને ફોન આવતા મેં આમંત્રણ સ્વીકાર્યું હતું. સમય આવ્યે રાજકીય ચર્ચા પણ કરીશું. પરંતું આજે બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. દરેક સમાજને વસ્તી આધારે ટીકીટ મેળવવાનો અધિકાર છે.