જેમ પિક્ચર ફ્લોપ જાય છે, તેમ ભાજપની વિકાસ યાત્રા પણ ફ્લોપ ગઈ: રાહુલ
કોંગ્રેસ ઉપાધ્યક્ષે આજે એક રેલીમાં પીએમ મોદી અને રાજ્યમાં 22 વર્ષથી સત્તા પર બિરાજમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં.
થરાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના મેરેથોન પ્રચાર કરી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે એક રેલીમાં ફરીથી પીએમ મોદી અને રાજ્યમાં 22 વર્ષથી સત્તા પર બિરાજમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં. રાહુલ ગાંધીએ બનાસકાંઠાના થરાદમાં એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે જે રીતે પિક્ચર ફ્લોપ થાય છે તેમ જ ભાજપની વિકાસયાત્રા ફ્લોપ થઈ ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી ગુજરાતમાં થઈ રહી છે અને મમોદીજી ક્યારેક જાપાન, ક્યારેક અફઘાનિસ્તાન, ક્યારેક પાકિસ્તાનની વાતો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મોદીજી..ગુજરાતની ચૂંટણી છે તો થોડી વાતો ગુજરાતની પણ કરી લો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી મોટી મોટી વાતો કરે છે પરંતુ ખેડૂતોને પૂરમાં રાહત આપવાની વાત કરતા નથી. જ્યારે ગુજરાતમાં પૂર આવ્યું તો મોદીજીએ ગુજરાતના ખેડૂતોને એમ પણ ન કહ્યું કે તમને એક રૂપિયો વળતર અપાવીશ. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો કપાસ, મગફળી અને બટાકા માટે ખેડૂતોને બોનસ આપવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પૂર અને કરાવૃષ્ટિથી પાકને નુકસાન થશે તો કોંગ્રેસ સરકાર વળતર આપશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ કર્યું છે. ગુજરાતમાં મોદીજીએ કોલેજોને પ્રાઈવેટ કરી દીધી અને ગરીબ લોકોને શિક્ષણથી વંછિત કર્યાં. અહીં શિક્ષા માટે લોકોએ લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને પણ રાહુલે રાજ્યની ભાજપ સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મોદીજી તમને નહીં જણાવે કે તમારા પાડોશની હોસ્પિટલમાં ડોક્ટર નથી. જો તમારી પાસે સારવાર માટે રૂપિયા નથી અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી તો મોદીજી તમને ફક્ત મરવા માટે છોડી દે છે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર દરમિયાન જો કોઈ ગરીબ વ્યક્તિને કેન્સરની બીમારી કે હાર્ટએટેક આવે તો તેને રાજ્ય સરકાર ફક્ત મરવાની ઓફર આપે છે. કારણ કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નથી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં જવા માટે બિચારા ગરીબો પાસે રૂપિયા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો ગુજરાતમાં અમારી સરકાર બની તો અમે રાજ્યના ગરીબો માટે સરદાર પટેલ હેલ્થ કાર્ડ બનાવીશું. હોસ્પિટલમાં જાઓ અને સારવાર કરાવો. ફાર્મસીમાં જાઓ અને મફતમાં દવાઓ લો. કોઈ રૂપિયા લાગશે નહીં. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતમાં મફતમાં દવાઓ અને મફતમાં ઓપરેશન થશે. સારવાર માટે ગુજરાતની જનતા પાસેથી એક રૂપિયા પણ લેવાશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીના ભાષણમાંથી ભ્રષ્ટાચાર ગાયબ થઈ ગયો છે. અમિત શાહના પુત્રની કંપની 50000માંથઈ 80 કરોડમાં ફેરવાઈ જાય છે. મોદીજી કશું કહેતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીજી આવ્યાં હતાં, મારા પિતા આવ્યાં હતાં, હું છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં ઘૂમી રહ્યો છું. મને ગુજરાતમાં જે પ્રેમ મળ્યો તે હું ક્યારેય ભૂલવાનો નથી. તમે મારી સાથે જીવનભરનો સંબંધ બનાવી લીધો છે. હું એવો માણસ છું કે જ્યારે પણ સંબંધ બનાવું છું તો તેને જીવનભર નિભાવું છું. ગમે ત્યારે મને યાદ કરશો તો હું પાંચ મિનિટમાં તમારી વચ્ચે પહોંચી જઈશ.
રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને લઈને પણ પીએમ મોદીની આલોચના કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા મોદીજી કહેતા હતાં કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશ. પરંતુ મોદીજીએ નોટબંધી કરીને લોકોના રૂપિયા પડાવ્યાં છે. રાહુલે કહ્યું કે મોદીજીએ ગુજરાતની જનતાને લાઈનમાં ઊભી રાખી દીધી. એક વૃદ્ધ મહિલાને પૂછ્યું કે શું તમે લાઈનમાં કોઈ સૂટ બૂટવાળાને ઊભેલા જોયા હતાં. તેમણે કહ્યું કે ગરીબ જનતા લાઈનમાં ઊભી હતી અને સૂટબૂટવાળા બેન્કમાં ઘૂસીને કાળુ નાણું સફેદ કરી રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે કાળુ નાણું વિદેશથી આવશે અને લોકોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવશે પરંતુ હજુ સુધી 15 પૈસા પણ નાખ્યાં નથી. જીએસટી પર હુમલો કરતા તેમણે કહ્યું કે જે રીતે શોલે ફિલ્મમાં રાતના અંધારામાં ગબ્બર સિંહ આવતો હતો તેમ મોદીજીએ દેશમાં ગબ્બરસિંહ ટેક્સ (જીએસટી) લગાવી દીધો. રાહુલે કહ્યું કે જીએસટી પહેલા જ્યાં વ્યાપારીઓને 100 રૂપિયા મળતા હતાં ત્યાં હવે 50 રૂપિયા મળે છે. કારણ કે 50 રૂપિયા ગબ્બરસિંહ લઈ ગયાં. મોદીજીના ભાષણમાં આ અંગે એક શબ્દ પણ નીકળતો નથી.