વાંસદામાં કમળ ખીલવવા ભાજપનો યુવા ચહેરા મેદાને, અનંત પટેલનો ગઢ ભેદી શકશે પિયુષ પટેલ?
Gujarat Elections 2022 : કોંગ્રેસના ગઢ વાંસદામાં ગાબડું પાડવા ભાજપે શિક્ષિત આદિવાસી યુવા પિયુષ પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા
Gujarat Elections 2022 નવસારી : ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો. આ વિસ્તારોની મોટાભાગની બેઠકો પર ભાજપને જાકારો જોવા મળ્યો હતો. અહી કેટલીય બેઠકો એવી છે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, અહીં કમળ ખીલતુ નથી. ત્યારે કોંગ્રેસના ગઢ વાંસદામાં ગાબડું પાડવા ભાજપે શિક્ષિત આદિવાસી યુવા પિયુષ પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. 1962 થી કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલી વાંસદા બેઠક પર કમળ ખીલવવા માટે ભાજપ એડીચોટીનું જોર લાગાવી ચુકી છે, પણ કોંગ્રેસનો હાથ આદિવાસીઓથી છોડાવી શકી નથી.
આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારનું પલડુ ભારે
આ વખતે આદિવાસી યુવા નેતા અને કોંગી ધારાસભ્ય અનંત પટેલનો દબદબો છે, જેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ રદ્દ કરાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ભારતમાલા પ્રોજેક્ટમાં પણ વિરોધ આંદોલનમાં આદિવાસીઓ તેમની પડખે રહ્યા હતા. આવામાં કોંગ્રેસના અભેદ્ય કિલ્લા વાંસદાને ભેદવામાં ભાજપને આંટા આવી જાય એવી સ્થિતિ આ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી છે. અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે.
વાંસદા કબજે કરવા ભાજપનો પ્રયાસ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વાંસદા વિધાનસભાને રાજકીય દત્તક લેવાની પણ જાહેરાત કરી હતી, ત્યારથી વાંસદા કબજે કરવા ભાજપ મંડી પડ્યુ છે. ત્યારે આજે પિયુષ પટેલે આદિવાસી પરંપરા પ્રમાણે કંસરી માતાજીની પૂજા સાથે હનુમાનજીના આશીર્વાદ મેળવી, પૂર્વ કેબિનેટ પ્રધાન અને આદિવાસી નેતા નરેશ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો સાથે વાંસદાના કુકણાં સમાજ વાડી ખાતેથી ભવ્ય રેલી યોજી હતી. પરંપરાગત આદિવાસી વાજિંત્રો અને નૃત્ય સાથે ઉત્સાહભેર ભાજપ કાર્યકર્તાઓે વાંસદા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પિયુષ પટેલે વાંસદા વિધાનસભાના ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરી ચુંટણી જંગનો શંખ ફૂક્યો હતો.
તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉમેદવારી ભરતા સમયે કહ્યું કે, અમારી સામે કોઈ પડકાર નથી અને લોકો સમક્ષ વિકાસના મુદ્દાઓ સાથે ફરીથી તેમની વચ્ચે જઈશું. આ સાથે જ તેમણે પોતાની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો.