ગુજરાતના ટોચના IPS પાસેથી 8 કરોડ વસૂલવાનું હતું ષડયંત્ર, બળાત્કાર અને લવજેહાદનો દેખાડાયો ડર
Gujarat Ex IPS Cheating Case : માટે ખોટા પુરાવા ઉભા કરાવી રૂપીયા પડાવવાનું કાવત્રુ રચનાર ટોળકીના સભ્યોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ
Gujarat Ex IPS Cheating Case : નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS એ 5 લોકોની ધરપકડ કરવામા આવી છે. જેમાં ભાજપ OBC મોરચાના નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. સાથે જ સ્થાનિક ભાજપના નેતા, પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યુ હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં બળાત્કારનું ખોટુ સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયુ હતું. પૂર્વ DGP ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા. જેમાં આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બે પત્રકારોનો સમાવેશ થાય છે. નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા મામલે 5 ની ધરપકડ ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર નીકળ્યા છે. ભાજપ નેતા જીકે પ્રજાપતિએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યુ હતું. ગાંધીનગરના બે પત્રકારો આશુતોષ અને કાર્તિક જાની નામના બે પત્રકારોનો સમાવેશ થાય છે. જેઓએ મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંધનામું કરી કાવતરું ઘડ્યુ હતું. નિવૃત્ત DGP ને બદનામ કરવા પત્રકારોએ 5 લાખ રૂપિયા લીધા હતા. જોકે, આ મામલામાં 8 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે ગુજરાત પોલીસે પત્રકાર પરિષદ સંબોધીને માહિતી આપી હતી.
એસપી સુનીલ જોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખોટી રીતે ફસાવવા અને બ્લેકમેઇલ કરવા માટે બે વખત બળાત્કાર થયાના ખોટા આક્ષેપોવાળું ખોટું એફીડેવીટ વાયરલ થયેલ હોવાનું ધ્યાને અમારે ધ્યાને આવ્યું હતું. જે બાબતે એફીડેવીટ કરનાર મહિલાનું વિગતવાર નિવેદન લેવાયુ હતું. જેમાં જાણવા મળેલ કે, તેણે પેથાપુર પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. 11216010230047/2023 ઇ.પી.કો. કલમ ૩૭૬, ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ ૩ તથા ૪ વિગેરે મુજબનો ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદ દાખલ કરતા પહેલા આ મહિલા જી.કે.પ્રજાપતિ ઉર્ફે જી.કે.દાદા નામના માણસના સંપર્કમાં આવેલ હતી. ફરિયાદ દાખલ કરતા પહેલા આ મહિલાએ જી.કે.પ્રજાપતિ ઉર્ફે જી.કે.દાદા ને કહ્યુ હતું કે ઉરોક્ત ફરિયાદનો આરોપી ઇસ્માઇલ મલેક એક દિવસ તેણીને ચાંદખેડા કાલીકા મંદીર પાસે આવેલ સંગાથ બંગલોઝના બંગલા નંબર ૧૩, ૧૪ મા લઈ ગયો હતો. બંગલામાં હાજર માણસ કે જેની ઉંમર આશરે 45 વર્ષની આસપાસની હતી, તેઓને અમદાવાદના મોટા પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને આ બંગલો સાહેબનો જ છે તેવું જણાવ્યુ હતું. તથા પોતાના ભાઇને છોડાવવા માટે આ સાહેબે તેની મરજી વિરૂધ્ધ બે વખત બળજબરીથી શરીર સબંધ બાંધેલ હતો તેવુ જણાવ્યુ હતું. આ બાબતે જી.કે.પ્રજાપતિએ ફરિયાદમાં લખાવવાની ના પાડી અને કહેલ કે આ બાબતે આપણે પછીથી વિચાર કરીશું તેવુ કહ્યું.
ત્યારબાદ, જી.કે.પ્રજાપતિએ તેણીને સુરતના એક અન્ય વ્યક્તિ હરેશ જાદવ સાથે ઓળખાણ કરાવેલ અને તેઓએ તેણીની હાજરીમાં અમદાવાદના સૌથી મોટા સાહેબનો રૂપિયા 8 કરોડનો તોડ કરવાની અંદરો અંદર વાત કરી હતી. તથા મહિલાને મદદ કરવાના બદલામાં તેઓ કહે તેમ કરવું પડશે તેવું જણાવ્યુ હતુ. જેથી આ મહિલા તેઓના દબાણ હેઠળ આવી ગઈ હતી. તથા તેઓના પત્રકાર મિત્રોને આ મહિલાના 'લવ જેહાદ'ના કેસમાં કોઇ મોટા પોલીસ અધિકારીનું નામ બળાત્કારમાં આવતું હોઇ તે અધિકારીને દબાણ હેઠળ લાવી તેની પાસેથી મોટી રકમ પડાવવા માટે વાત કરી હતી. આ સમગ્ર બનાવ અંગે આ મહિલાના નામની એફીડેવીટ તૈયાર કરાવી અને તેમા પોલીસ અધિકારીએ તેની સાથે બે વાર બળાત્કાર કરેલાની વિગતો જણાવી હતી. તેમજ આ અધિકારીનું નામ પણ લખાવ્યું હતું. બાદમાં કોઇ કારણસર આ અધિકારીનો ફોટો આ મહિલાને બતાવતા તેણે જણાવેલ કે આ ફોટાવાળા અધિકારી સાહેબે તેની સાથે ખોટું કામ કર્યું નથી. જે સાંભળી આ વ્યક્તિઓએ અંદરો અંદર ચર્ચા કરી બીજા અધિકારીનુ નામ નક્કી કરી તે નામ એફીડેવીટમાં સુધારો કરી લખાવ્યું હતું અને સહી કરાવી હતી.
ત્યારબાદ તા. ૩૦/૦૧/૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગે આ મહિલાને પેથાપુર પો.સ્ટે.ની એફ.આઇ.આર. બાબતે મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ સી.આર.પી.સી.૧૪ મુજબનું નિવેદન આપવાનું હતું. તે વખતે જી.કે.પ્રજાપતિ તથા હરેશભાઇએ આ મહિલાને ગમે તેમ કરી રૂબરૂ હાલ નિવેદન આપવા ન જવા સમજાવ્યુ હતું. તેઓને મેજીસ્ટ્રેટ રૂબરૂ બેભાન થઈ જઈ મુદ્દત પડાવવા સમજાવ્ય હતું. હરેશભાઇ આ માટે તેને ઉંઘની ગોળી ખવડાવી મેજીસ્ટ્રેટ રૂબરૂ મોકલી હતી અને તેઓના નિવેદનમા કોઇ પોલીસ અધિકારીનુ નામ હાલ પુરતુ ના લખાવવા ખુબ જ દબાણ કરી હતી. તેમજ કહ્યુ હતું કે, તમે જો કોઇ પોલીસ અધિકારીનુ નામ લખાવશો તો અમારું બધુ કામ બગડી જશે અને અમે તમને કોઇ જાતની મદદ કરી શકીશું નહિ, જેના કારણે આ મહિલાએ મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ પોતાનુ નિવેદન લખાવતી વખતે કોઇ પોલીસ અધિકારીનુ નામ લખાવ્યુ ન હતું અને બહાર આવી હરેશ વગેરેને જણાવ્યું કે તેઓએ મેજીસ્ટ્રેટ રૂબરૂ કોઇ પોલીસ અધિકારીનું નામ લખાવ્યું નથી.
ત્યારબાદ, આ મહિલાની જાણ બહાર એફિડેવિટમાં નવા ફકરા ઉમેરી તેને વંચાવ્યા વગર ૦૧/૦૨/૨૦૨૩ નારોજ ફરીથી સહિઓ કરાવી હતી. ઉપરોક્ત બંગ્લામાં રહેનાર વ્યક્તિ પોલીસના ઉચ્ચ અધિકારી ન હોવાનું જાણતા હોવા છતાં, આ વ્યક્તિઓએ કાવતરું ઘડી પોલીસ અધિકારીને દબાણમાં લાવી તેઓ પાસેથી બળજબરીથી રૂપિયા 8 કરોડ પડાવવાના ષડયંત્ર રચ્યુ હતું. આ ગુનાહિત કાવતરુ આગળ ધપાવવા માટે હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુએ ઉપરોક્ત એફીડેવીટમા જણાવેલ ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરવા માટે જે તે પોલીસ કચેરીઓમા જઈ તેઓના તાબા હેઠળના તથા અન્ય અધિકારીનો વારવાર સંપર્ક કર્યો હતો. ઉપરી અધિકારીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાનો ભય ઉભો કરી તે અધિકારી પાસેથી બળજબરીથી પૈસા પડાવવા માટે દબાણ ઉભું કર્યું હતું.