ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય, બે ટંક ખાવાનુ મળે તો ભગવાનનો પાડ માને છે
એક સમયે જે ધારાસભ્યએ લોકોની સેવા કરી, લોકોના આસું લૂછ્યા, આજે તેમને પૂછનાર કોઈ નથી. ઝૂંપડામાં રહે છે, પરંતુ સરકારની કોઈ સહાય તેમને મળતી નથી
બનાસકાંઠા :આપણા નજરમાં 21 મી સદીના નેતા, ધારાસભ્યો અને સાંસદો એટલે લાલ ગાડીમાં સફેદ કપડા પહેરીને ફરતા લોકો. જેમનો રુઆબ જનતા કરતા અલગ હોય છે, અને તેઓ જમીનથી ચાર વેંત ઉંચા ચાલતા હોય. નેતા એટલે રજવાડી ઠાઠ. આપણા મગજમાં નેતાની કંઈક આવી ઈમેજ છે. પરંતુ ધારાસભ્ય બનો એટલે વૈભવની છોળો ઉડે એ જરૂરી નથી. આજે વાત કરીએ ગુજરાતના એક એવા પૂર્વ ધારાસભ્યની જેઓ ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે. બે ટંક ખાવાનુ મળે તો ભગવાનનો પાડ માને છે.
આજે પણ બીપીએલ કાર્ડ પર જીવન વિતાવે છે
ભારતમાં હવે નેતા ચૂંટાઈ આવતા જ કરોડપતિ બની જતા હોય છે. ચાર-પાંચ વર્ષોમાં તો તેમની કરોડોની સંપત્તિ ઉભી થઈ જતી હોય છે. પરંતુ એક સમય એવો પણ હતો, જેમાં નેતાઓ હકીકતમાં જનતાની સેવા કરવા માટે ચૂંટણી લડતા હતા, અને ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ કરીને તેમના આર્શીવાદ મેળવીને જ તેમનુ પેટ ભરાઈ જતું. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર રહીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ રાઠોડ આજે પણ બીપીએલ કાર્ડ ધરાવે છે અને ગરીબીમાં જીવન વિતાવે છે.
આ પણ વાંચો : સરકારી મદદ ન મળી તો ગુજરાતના આ ખેડૂતે એકલા હાથે 32 ફૂટનો કૂવો ખોદી પાણી મેળવ્યું
ઝૂંપડા જેવુ ઘર, દીકરાઓ મજૂરી કામ કરે છે
ન તો જેઠાભાઈનુ ઘર વૈભવી છે, ન તો તેમના ઘરની બહાર ગાડી ઉભી છે. તેમનુ ઝૂંપડા જેવુ ઘર જોવુ હોય તો વિજયનગર તાલુકાના ટેબડા ગામમાં જવુ પડે. જ્યાં તેમને વડલાઓથી વારસામાં મળેલુ ઝૂંપડા જેવુ ઘર છે. તેમના પાંચ દીકરા આજે પણ મજૂરી કામ કરે છે. સાંજ પડ્યે એટલુ કામ મળી જાય છે કે ઘરમાં બે ટંકનુ ભોજન બને.
પાંચ વર્ષમા એકપણ રૂપિયો ભેગો ન કર્યો
80 વર્ષની વય વટાવી ચૂકેલા જેઠાભાઈ ભરવાડ પોતાના સિદ્ધાંતો પર જીવન જીવ્યા છે. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજાર મતથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 17,000થી વધુ મતોથી હરાવ્યા હતા. 1967થી 1971 સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા. પાંચ વર્ષની ટર્મ દરમ્યાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. પ્રમાણિકતાથી જીવન જીવ્યા બાદ આજે પણ તેઓ બીપીએલ લાભાર્થી તરીકે જીવન જીવે છે.
આ પણ વાંચો : કામવાળી સાથે કચકચ ન કરવી હોય તો લઈ આવો આ મશીન
સચિવાલય સુધી જવા બસમાં મુસાફરી કરતા
બીજી તરફ કહો કે, સરકારને આવા પ્રમાણિક ધારાસભ્યોની કોઈ પડી નથી. સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે ખૂબ કામ કરેલું. ખાસ કરીને રસ્તા અને તળાવોનાં ખૂબ કામો કરાવેલા. એ જમાનામાં પોતે સાયકલ પર ગામેગામ જતા અને લોકોના પ્રશ્નો જાણતા. સચિવાલય જવું હોય તો એસ.ટી. બસમાં મુસાફરી કરતા.
80 વર્ષની વય વટાવી ચુકેલા ધારાસભ્યને પ્રમાણિક્તા પર જીવવાને આજે ગરીબીમાં સબડવાનો વારો આવ્યો છે. સરકાર પણ તેમની સામે નજર નથી કરતી. તેમને કે તેમના પરિવાર સુધી કોઈ સરકારી સહાય પહોંચી નથી. ન તો તેમને પેન્શન મળે છે! લોકોનાં આંસુ લુછનારા આવા ધારાસભ્યનાં આંસુ લુછવાની કોઈને પડી નથી. મોટાભાગના રાજકારણીઓને તો ખબર પણ નહીં હોય કે આવો એક ગરીબ ધારાસભ્ય ગુજરાતમાં જીવે છે.