ગુજરાતમાં સર્જાઇ શકે છે જળસંકટ: હાલના તબક્કે 52 ટકા પાણીની ઘટ
પાણીની પરિસ્થિતી એટલી વિકટ છે કે ભરચોમાસે પણ કેટલાક ડેમમાં માત્ર 25 ટકા જેટલું જ પાણી છે
અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ શરૂઆત થાય તે પહેલા હવામાન વિભાગ દ્વારા 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે હવે ધીરે ધીરે પાણીની પરિસ્થિતી કથળતી જાય છે. અત્યાર સુધીમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતનાં જળાશયોમાં પાણીની સ્થિતી હાલ ખુબ જ ખસ્તા છે. રાજ્યમાં કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. હાલમાં મે મહિનામાં 33.95 પાણી હતું, જે 9 ઓગષ્ટની સ્થિતીથી વધીને 36.56 ટકા થયું છે.
જેની તુલનાએ ગત્ત વર્ષે આજના દિવસે 59.36 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ 22.8 ટકાનો ઘટાડો થયો છે. આમ રાજ્યમાં ગંભીર જળસંકટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં જળ સંકટ પેદા થઇ શકે છે. ગુજરાતના માત્ર 12 જળાશયોમાં 100 ટકા પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા જ્યારે 49 ડેમોમાં 25થી50 ટકા પાણી છે. જ્યારે 84 ડેમોમાં તો 25 ટકા કરતા પણ ઓછું પાણી છે.
રાજ્યમાં કુલ 203 જળાશયોમાં 203459 મિલિયન ક્યુબિક ફિટ જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 36.56 ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 1,31,918 મિલિયન ક્યુબિક ફિટ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિનાં 39.49 ટકા જેટલો થાય છે. હાલની સ્થિતીએ ઉતર ગુજરાતનાં 15 જળાશયોમાં 2 ટકા પાણીનો જથ્થો છે, જ્યારે ગત મે મહિનામાં 32.63 ટકા પાણીનો જથ્થો હતો. આમ ચોમાસુ હોવા છતા પણ 0.63 ટકા પાણી ઘટ્યું હતું જેથી કુલ સમગ્ર ગુજરાતમાં હાલના તબક્કે 52 ટકા જેટલી પાણીની હજી પણ ઘટ છે.