સરકાર ખોટું બોલે છે તેના પુરાવા પીપીઈ કીટમાં ઢંકાયેલા મૃતદેહો આપી રહ્યાં છે
વલસાડમાં મંગળવારે એક સાથે 9 જેટલા મૃતદેહ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. પરંતુ એ આંકડા હજી સુધી તંત્રએ બતાવ્યા નથી
વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલમાં રોજ એક કે બે પોઝિટિવ દર્દીઓના મોત થાય છે. તેમ છતાં વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે
ઊમેશ પટેલ/વલસાડ :રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ માથું ઉચક્યું છે. પરંતુ કોરોનાનો આ સ્ટ્રેન એટલો ખતરનાક છે કે ધડાધડ મોત થઈ રહ્યાં છે. સરકારના મોતના આંકડા છુપાવે છે, પરંતુ જમીની હકીકત તો કંઈક અલગ જ છે. સરકાર ભલે ખોટુ બોલે, પણ લાશ ખોટું બોલતી નથી. સ્મશાનમાં જે રીતે મૃતદેહોના નિકાલ માટે વેઈટિંગ આવી રહ્યા છે, તે જોતા સરકાર મોતના આંકડા પર ઢાંકપિછોડો કરે છે તે સ્પષ્ટ દેખાય છે.
કોરોનાથી મોટી સંખ્યામાં રોજ લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા પણ મોતના આંકડા છુપાવવાની બાબત સામે આવી છે. વલસાડમાં દિવસેને દિવસે કોરોનાના આંકડા વધી રહ્યા છે. જે ચિંતાનો માહોલ બની ચૂક્યો છે ત્યારે વલસાડમાં કોરોનાથી મોતને ભેટતા લોકોની માહિતી વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા છુપાવવામાં આવી રહી તેવું સ્પષ્ટ દેખાય છે. રોજ સવારથી વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા કોવિડ ગાઇડલાઇન સાથેની ડેથ બોડીના વીડિયો કેમેરામાં કેદ થયા હતા.
આ પણ વાંચો : બાળકો બન્યા કોરોનાના સાયલન્ટ સ્પ્રેડર, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જજો
ગઈકાલે મંગળવારે એક સાથે 9 જેટલા મૃતદેહ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ એ આંકડા હજી સુધી તંત્રએ બતાવ્યા નથી. છેલ્લા 5 થી 6 દિવસમાં 15 થી વધુ મૃતદેહની અંતિમ ક્રિયા થઈ છે. કોરોનાથી મોતને ભેટેલ લોકોની કોવિડ ગાઈડલાઈન મુજબ વાપી સ્મશાન ગૃહ પર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ મોત જાહેર કરાતુ નથી. જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આવામાં કોરોનાથી મોત થયેલા દર્દીઓના આંકડા છુપાવવાને લઈ આરોગ્ય વિભાગની તપાસ કરી વહીવટી તંત્ર તપાસ રિપોર્ટ મંગાવે એ જરૂરી બન્યું છે. દિવસેને દિવસે કેસો વધતાની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. ઝી મીડિયાને કોવિડ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલમાં રોજ એક કે બે પોઝિટિવ દર્દીઓના મોત થાય છે. તેમ છતાં વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : કોરોનામાં બાળકોના માથે લટકતી તલવાર, રાજકોટમાં 500 બાળકો સંક્રમિત થયા
તો બીજી તરફ, સુરતમાંથી પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સુરતમાં કોરોના બેકાબૂ બન્યો છએ. મોડી રાત સુધી સ્મશાન ગૃહમાં લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. મૃતદેહોની કતારો જોવા મળતા આસપાસનો માહોલ પણ ગમગીન દેખાઈ રહ્યો છે. બે થી 3 કલાક વેઈટીંગ બાદ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે.