ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે નવરાત્રિ પુરી થયા પછી ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીની સિઝનની શરૂઆત થતી હોય છે. કે પછી એમ કહો કે, ઓક્ટોબરના અંત સુધીમાં ધીમે-ધીમે ઠંડીનો અનુભવ થવા લાગે છે. ત્યારે આ વખતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગના આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં નવ વર્ષમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન રેકોર્ડ બ્રેક ગગડ્યું છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, હવે અમદાવાદ સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓકટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનાં 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો સુુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે કરી છે.


હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીનું જોર વર્તાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી ગગડીને 14.7 ડિગ્રી નોંધાયું હતુું. આ પહેલા 29 ઓક્ટોબર 2012નાં રોજ ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો.