હિતાર્થ પટેલ/ડાંગ :1 મે ગુજરાતનો સ્થાપના દિન હોય છે. દરેક ગુજરાતી માટે આ ગર્વનો દિવસ છે. પરંતુ જે દિવસે ગુજરાત મહારાષ્ટ્રથી છૂટુ પડ્યુ ત્યારે એક વિસ્તાર એવો હતો જેને પરત મેળવવા માટે આપણને લડત આપવી પડી હતી. 1960 માં મહારાષ્ટ્રથી ગુજરાત જુદુ પડ્યું ત્યારે ડાંગ જિલ્લાને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો હતો. જોકે તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ડાંગ જિલ્લાને ગુજરાતમાં રાખવા લડત ચલાવી હતી. અને સંઘર્ષ બાદ ડાંગને ગુજરાતનો હિસ્સો બનવવામાં આવ્યો હતો. આજે ગુજરાતના પ્રવાસન સ્થળમાં સૌથી લોકપ્રિય એવુ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ આજે ગુજરાતની શાન બન્યું છે, ત્યારે તેના પાછળની આ લડત અને સંઘર્ષ ગાથા વિશે તમારે જાણવુ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે તત્કાલિન કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર-ગુજરાત અને મુંબઈ, એમ ત્રણ હિસ્સાના સમર્થનમા હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવુ લાગતુ હતુ કે, ગુજરાતીઓને કારણે મુંબઇને, મહારાષ્ટ્રમાંથી છીનવી લેવાશે. જેને કારણે ઊભી થયેલી ગેરમાન્યતાને કારણે સંઘર્ષ ઉગ્ર બન્યો હતો. આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન પેચિદો બન્યો હતો. ડાંગની પ્રજાની બોલી ‘મરાઠી’ જેવી હતી. અહીના લોકોની રહેણીકરણી અને પહેરવેશ પણ મહારાષ્ટ્રીયન લોકોને મળતો આવતો હતો. જેને કારણે બંને રાજ્યો વચ્ચે ડાંગને મેળવવા સંઘર્ષ શરૂ થયો. 



ભારે ખેંચતાણ વચ્ચે, પહેલા ડાંગ, અને પછી સાપુતારાને ગુજરાત સાથે રાખવા માટે તે વખતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સન 1956 ની મહાગુજરાત ચળવળ અને ડાંગ સાથેના ગુજરાત રાજ્યના સ્વપ્નદૃષ્ટા એવા, ડાંગ સ્વરાજ આશ્રમના નાયક બંધુઓ, તથા તેમના નિષ્ઠાવાન કાર્યકરોની ધારદાર રજૂઆત, અને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની દિલ્હી ખાતેની શ્રેણીબદ્ધ રૂબરૂ મુલાકાત બાદ ગુજરાતને ડાંગ સોંપાયુ હતું. 



આમ, ગુજરાતને ડાંગ મળ્યુ હતું. આજે કુદરતી સંપદાથી ભરપૂર એવુ ડાંગ ગુજરાતની જેમ જ 62 વર્ષનું થયું, એક સમયે અંધારીયા મુલક તરીકે ઓળખાતું ડાંગ, આજે ‘પ્રાકૃતિક ડાંગ’ તરીકે ઓળખાઈ રહ્યુ છે. દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો એટલે ડાંગ, રાજ્યનો સૌથી પહેલો જ્યોતિર્ગામ જિલ્લો એટલે ડાંગ, નલ સે જલ યોજનાનો સો ટકા લક્ષ સિદ્ધિ ધરાવતો જિલ્લો એટલે ડાંગ. કોરોનામા સૌથી વધુ સુરક્ષિત રહેલો જિલ્લો એટલે ડાંગ. 




આમ, 62 વર્ષમાં ડાંગ જિલ્લો વિકાસની તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રાથમિક જરૂરિયાતની તમામ સુખ સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન પ્રવૃતિઓનો વિકાસ, પ્રાકૃતિક-ઓર્ગેનિક અન્ન ઉત્પાદન, નોખી અનોખી જીવનશૈલી, હરિયાળા વન અને વન્યપ્રાણી, સાથે આજનુ ડાંગ પ્રતિભાઓથી ઉભરાતુ ડાંગ પણ સાબિત થઈ રહ્યુ છે.