ગુજરાતના વનબંધુઓએ માનવતા મહેકાવી; બે દિવસમાં ત્રણ અંગદાનથી અનેક પીડીતોનું જીવન બદલાયું
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના અસલાલીમાં રહેતા ઉર્મિલાબેનનું 20મી માર્ચે માર્ગ અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર દરમિયાન જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમ્યા બાદ તેઓ બ્રેઇનડેડ થયા.
ઝી ન્યૂઝ/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન થયા છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલા 7 અંગોથી જરૂરિયાતમંદ દર્દીઓની વર્ષોની પીડાનો અંત આવ્યો છે. આ ત્રણ અંગદાનમાં આદિજાતીના 19 વર્ષીય બ્રેઇનડેડ ઉર્મિલાબેન વસાવાના પરિવારજનોએ કરેલો અંગદાનનો નિર્ણય રાજ્યના અનેક વનબંધુઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના અસલાલીમાં રહેતા ઉર્મિલાબેનનું 20મી માર્ચે માર્ગ અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર દરમિયાન જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમ્યા બાદ તેઓ બ્રેઇનડેડ થયા. ઉર્મિલાબેનના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અંગદાન માટેની પ્રેરણા અપાતા અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો. ઉર્મિલાબેનના અંગદાનમાં બે કિડની અને એક લીવર મળ્યું જે કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા જેના થકી તેમનું જીવન બદલાયું છે.
એવા જ એક અન્ય અંગદાતા મહેન્દ્રભાઇ વાધેલાને પણ 20મી માર્ચે માથાના ભાગમાં ગંભીર ઇજા થતા ગઇ કાલે (બુધવારે) બ્રેઇનડેડ થયા હતા. પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. ત્રીજા અંગદાતા ૫૨ વર્ષીય માયારામભાઇ કોરી પણ બ્રેઇનડેડ થતા 19મી માર્ચે તેમના પરિવારજનો દ્વારા અંગદાન માટેની તૈયારી દર્શાવાતા એક લીવરનું દાન મળ્યું હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, છેલ્લા બે દિવસમાં થયેલ ત્રણ અંગદાન દ્વારા સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 45 અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા 136 અંગો થકી 120 પીડીત દર્દીઓનું જીવન બદલાયું છે.
છેલ્લા ત્રણ અંગદાનમાં આદિજાતિ સમુદાયના મહિલા દ્વારા કરવામાં આવેલું અંગદાન દર્શાવે છે કે અમદાવાદ સિવિલની માનવતાની મહેક વનબંધુઓ સહિત રાજ્યના દરેક વર્ગ સુધી પહોંચી છે. આદિજાતી સમુદાયની દિકરી દ્વારા કરવામાં આવેલું અંગદાન રાજ્યના ઘણાં વનબંધુઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ સિવિલ સુપ્રિટેન્ડન્ટે ઉમેર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube