કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : ગૃહરાજ્ય મંત્રી
- કોરોના સંક્રમણના 58 દિવસ બાદ આજે અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાયું
- પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા વિશે કહ્યું કે, કોરોના સંક્રમણ ઓછું થતા મંદિર ખુલ્લા મુકાયા
આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા (rathyatra) ભક્તો વગર નીકળી હતી. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ તે મોટો પ્રશ્ન છે. આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે કહ્યું કે, કોરોના ના કેસોની સ્થિતિ હશે તે મુજબ નિર્ણય લઈશું. જળયાત્રા પણ કોવિડ પ્રોટોકોલ મુજબ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ભક્તો વગર રથયાત્રા કાઢવામાં આવી હતી.
કોરોના સંક્રમણના 58 દિવસ બાદ આજે અમદાવાદનું પ્રખ્યાત જગન્નાથ મંદિર (jagannath temple) દર્શન માટે ખુલ્લુ મૂકાયું છે. અમદાવાદનું જગન્નાથ મંદિર પણ આજથી ભક્તો માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડ લાઈનના પાલન સાથે જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય દ્વાર પર સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવી છે. સાથે જ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે.
રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે મંદિરમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપ દાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા વિશે કહ્યું કે, કોરોના સંક્રમણ ઓછું થતા મંદિર ખુલ્લા મુકાયા છે.
ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે. આજે મેં પણ દર્શન કર્યાં છે. મંદિરના મહંત ટ્રસ્ટી સાથે પણ વાત થઇ છે. રથયાત્રાના યોજવા અંગે cm સાથે ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસોની સ્થિતિ હશે તે મુજબ નિર્ણય લઈશું. જળયાત્રા પણ પ્રોટોકોલ મુજબ થશે. તો મહંત દિલીપદાસજીએ કહ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. મારી નહિ, પણ બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે. જળયાત્રા કોવિડ ગાઇડલાન મુજબ થશે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહનો આજે જન્મ દિવસ હોવાથી તેઓ માં ભદ્રકાળી અને જગન્નાથ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.