અતુલ તિવારી/અમદાવાદ :તાજેતરમાં જ કોરોનાની આડઅસર રૂપે મ્યુકોરમાઈકોસીસ નામનું ફંગસ થતુ હોવાના અહેવાલ ઝી 24 કલાક પર રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઝી 24 કલાકના અહેવાલ પર રાજ્ય સરકારે મહોર મારી છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસના કેસોની ગંભીરતા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે હવે રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ફંગસને લઈ તમામ જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસ અંગે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં માર્ગદર્શિકા મોકલી છે અને તકેદારીના પગલા લેવાની સૂચના અપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોગપ્રતિકારક શક્તિ ઘટ્યા બાદ અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકોરમાઇકોસીસ થવાનો ડર હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. મ્યુકોરમાઇકોસીસ એ ગંભીર ચેપ છે, જેમાં મૃત્યુદર 50 ટકા જેટલો હોવાનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. અમદાવાદ અને રાજકોટમાં મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યાનો માર્ગદર્શિકામાં રાજ્ય સરકારે ઉલ્લેખ કર્યો છે. મ્યુકોરમાઇકોસીસ થાય ત્યારે તેના લક્ષણો અને તેના ઈલાજ અંગે રાજ્ય સરકારે તમામ જરૂરી વિભાગોમાં માહિતી આપી છે. જિલ્લાના અધિકારીઓ, એક્સપર્ટસ અને મેડિકલ ઓફિસર આ રોગ અંગે માહિતગાર થાય તે હેતુથી આ માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. જેમાં મ્યુકોરમાઈકોસીસને લગતી તમામ માહિતી રજૂ કરવામાં આવી છે. 


અત્યાર સુધી સામે આવેલા કેસોમાં કોરોના થયો હોય અથવા તેનાથી સાજા થયા હોય તેમને મ્યુકોરમાઇકોસીસ શિકાર બનાવી રહ્યો છે. જો કે મ્યુકોરમાઇકોસીસથી ડરવાની નહિ, પણ સમજદારી અને સમયસર ઈલાજ જ એકમાત્ર વિકલ્પ છે. કોરોનાની જેમ માસ્ક જ મ્યુકોરમાઇકોસીસથી રક્ષણ આપે છે. વધુ પડતા નાસ લેવાથી મ્યુકોરમાઇકોસીસ ફંગસને નાકના માધ્યમથી પ્રસરવામાં સરળતા થઈ શકે છે. 


કોરોનાથી પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઈકોસીસ
છેલ્લાં એક વર્ષથી કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે. પરંતુ હવે મ્યુકોરમાઈકોસીસ તેના કરતા પણ વધુ જીવલેણ નીવડી રહ્યો છે. કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે. એક વખત આ ફંગસ આંખની પાછળથી ફેલાઈ મગજ સુધી પહોંચ્યું તો દર્દીને બચાવવું અશક્ય છે. તબીબ કહે છે કે, મ્યુકોરમાઇકોસીસના એક દિવસમાં અમે એક દર્દીને ઓપરેટ કરી શકીએ છીએ. તરત એ જ ઓપરેશન થિયેટરમાં બીજા દર્દીને લઈ શક્તા નથી. નાક ભરેલું લાગે અથવા આંખોમાં ઝાંખપ આવે એટલે તાત્કાલિક ડોકટરનો સંપર્ક હિતાવહ છે. આઇબોલ બહાર આવી જતો હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે જો દર્દી 24 કે 48 કલાકમાં સારવાર માટે આવે છે તો તેની આંખો બચી શકે છે. 


મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો 


  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે

  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે

  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે


મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં 20 ટકા જેટલો છે. 


કેવા દર્દીને થાય છે આ બીમારી 
આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.