ગાંધીનગર : સરકારી નોકરી માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને તાજેતરમાં સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતનો લાભ આપ્યા બાદ વધુ એક મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપી છે. આ નિર્ણયને પગલે હવે ઇબીસીના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યમાં પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલન.શરૂ કરાતાં રાજ્યમાં અનામતની આગ ઉઠી હતી. જેમાં છેવટે સરકારે તાજેતરમાં સવર્ણનો 10 ટકા અનામતનો લાભ આપતો નિર્ણય લીધો હતો. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરી માટે વધુ એક રાહત આપતો નિર્ણય આજે ગુજરાતે સરકારે લીધો છે. 


શું જાહેરાત કરી સરકારે...


  • આ ઠરાવ 14 જાન્યુઆરી, 2019થી અમલમાં ગણાશે. 

  • આર્થિક રીતે નબળા વર્ગ માટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો અને રાજ્ય સરકારની સેવાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ. 

  • આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈની સરકારી જગ્યાની ભરતીમાં વયમર્યાદામાં 5 વર્ષની છૂટ. 

  • 5 વર્ષની છૂટમાં ઉપલી વયમર્યાદા 45 વર્ષ નક્કી કરાઈ છે. 

  • ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના 1967ના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઈબીસી વર્ગના નાગરિકો/વ્યક્તિઓને મળવાપાત્ર છૂટછાટ ઉપરાંતની ગણવાની રહેશે. 



છેલ્લા બે દિવસથી એસટી કર્મચારીઓની હડતાળ અને આજે રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં વિધાનસભા બહાર કરેલા હંગામાને બાદ સરકારે છેવટે કર્મચારીઓ સામે ઝુકીને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ત્રણ મંત્રીઓની કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. જેના ગણતરીના કલાકો બાદ આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે મોટી રાહતની આ જાહેરાત કરવામાં આવી છે.