બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજ્ય સરકારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી છે. આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન હોય તેવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. જેમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાના મતદાનવાળા 19 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનવાળા 14 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. વધુ મતદાન થાય તે માટે સરકારે રજા જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.



બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન (PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.