મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે
- કેન્દ્ર સરકારનાં પોર્ટલ પર દાખલ દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળી શકશે
- મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યું
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના વહેંચણીની સત્તા રાજ્ય સરકારે પોતાના હાથમાં લીધી છે. સરકારી હોસ્પિટલના માધ્યમથી ખાનગી હોસ્પિટલોને ઈન્જેક્શન (amphotericin injection) આપવામાં આવે છે. ત્યારે આ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મ્યુકોરમાઈકોસીસ (mucormycosis) નાં ઈન્જેક્શન હવેથી દરેક જિલ્લામાં મળી શકશે. આરોગ્ય વિભાગે 33 જિલ્લાની સરકારી હોસ્પિટલોને સત્તા આપી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર એક્શનમાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ થયો પોસ્ટ કોવિડ કેર વોર્ડ
દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળશે
કેન્દ્ર સરકારનાં પોર્ટલ પર દાખલ દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળી શકશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. ખાનગી હોસ્પિટલો પણ જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મેળવી શકશે. ઈન્જેક્શન એમ્ફોટેરિસિન બી રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓને વ્યાજબી દરે મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ...
હાઈકોર્ટે ઈન્જેક્શનની અછત મામલે સરકારની ઝાટકણી કાઢી
ઉલ્લેખનીય છે કે, મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યું છે. હાઈકોર્ટે આકરા શબ્દોમા કહ્યું કે, મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની રાજ્યમાં અછત છે. સરકાર દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ બનાવે. આ માળખું અને નીતિ બનાવવા માટે તજજ્ઞ સમિતિનો પરામર્શ કરે. ઈન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની નીતિ સરકાર બનાવે.
આ પણ વાંચો : 7 મહિલાઓને કારણે ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી