ઝી બ્યૂરો, અમદાવાદઃ સી પ્લેનના ચાહકો માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા સી પ્લેન સેવા અંગે ખાસ પ્લાન તૈયાર કરી રહી છે. જે પગલે સરકારે ગુજરાતમાં સી પ્લેનની ઉડાન ફરી એક વાર જલદી શરૂ થાય તે માટે કવાયત્ શરૂ કરી છે. એટલું જ નહીં ફરી સી પ્લેન સેવા બંધ ન પડી જાય તે અંગે પણ તકેદારી રાખવામાં આવશે. ગુજરાત તેમજ રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓને આકર્ષવા માટે મુકવામાં આવેલું આ આકર્ષણ યોગ્ય રીતે કાર્યરત રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત સરકાર દ્વારા આગામી સમયમાં અંબાજી-સાપુતારા-પાલિતાણા વગેરે સ્થળે સી પ્લેનની સેવા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. તે અંગે એ દિશામાં કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે. હાલ સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ફોકસ કરાઈ રહ્યું છે. 


ઉલ્લેખનીય છેકે, બે વર્ષ પહેલાં અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા મેઈન્ટેઈનન્સની મુશ્કેલીઓ અને ઊંચી ઓપરેટિંગ કોસ્ટના કારણે બંધ કરવી પડી હતી. હવે સી પ્લેનની ઉડાનને પાટે લાવવા માટે ગુજરાતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વધુ રૂટના ઉમેરા સાથે કોસ્ટ ઓછી થાય તે સંદર્ભે વિચારણા કરાઈ રહી છે.


અંબાજીથી નજીક મહેસાણાના ધરોઈ ડેમ ખાતે સી પ્લેન સેવા માટે જેટ્ટી બનાવવાની કામગીરી પર ફોકસ કરાઈ રહ્યું છે, આ ઉપરાંત પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક અને સુરતના ઉકાઈ ડેમ ખાતે પણ સી પ્લેનની યોજના છે, બુધવારે ગાંધીનગર ખાતે આ સંદર્ભે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી.


સૂત્રોની વાત માનીએ તો સી પ્લેનના રૂટ વધારવામાં આવે તો સી પ્લેન ચલાવતી ખાનગી કંપનીને વધુ ટ્રાફિક મળી રહે તેમ છે, સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ સરકાર તરફથી તેમને શું પ્રોત્સાહન મળશે, કેટલા સમય ગાળા માટે તે સહિતની બાબતો પર મદાર રાખી રહી છે, આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી.


સરકાર પોતે સી પ્લેન ખરીદે તો મેઈન્ટેઈનન્સ સહિતનો મોટો ખર્ચ આવે તેમ કહેવાઈ રહ્યું છે, એકંદરે ફરી વાર સી પ્લેન સેવા બંધ ના થાય તે રીતે શરૂ કરવા માટે વિચારણા કરાઈ છે. કેવડિયાના રૂટ સવારથી સાંજ સુધી વધારી શકાય કે કેમ? સાઈટ સીન ઉપર રૂટ રાખવા કે કેમ? તે સહિતની શક્યતા હાલ ચકાસાઈ રહી છે.