ભ્રષ્ટાચારીઓ હવે તમારી ખેર નથી! પરિવારમાં કોઈ બીજાના નામે મિલકત ખરીદી હશે તો પણ થશે જપ્ત

Gujarat News: ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક બનીને એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ચાલુ ફરજે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાણસામાં લઈ શકાય. આ બિલ આગામી વિધાનસભા સત્રમાં આવે તેવી સંભાવના છે. સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આમ જનતા પણ હેરાન પરેશાન છે.
રાજકોટ ગેમઝોન આગકાંડના મામલામાં ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જે વિગતો સામે આવી તેણે સરકારના હોશ ઉડાવી દીધા. ભ્રષ્ટ કર્મીઓની કાળી કમાણીની વધતી કરતૂતોએ હવે સરકારને આકરા પગલાં લેવા માટે જાણે મજબૂર કરી દીધી છે. આ મહાભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. હવે સરકારે આ મુદ્દે આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવાની તૈયારીઓ કરવા માંડી છે.
હવે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક બનીને એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ચાલુ ફરજે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાણસામાં લઈ શકાય. આ બિલ આગામી વિધાનસભા સત્રમાં આવે તેવી સંભાવના છે. સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આમ જનતા પણ હેરાન પરેશાન છે. આવા ભ્રષ્ટ કર્મીઓ ઉપરની કમાણી જમીનો, ફાર્મ હાઉસ કે અન્ય પ્રકારની સંપત્તિમાં રોકતા હોય છે. એમાં પણ પોતાના પર કઈ ન આવે તે માટે તેઓ ઘરના અન્ય સભ્યોના નામે પણ ખરીદી કરતા હોય છે.
શું હશે કાયદામાં?
ભ્રષ્ટ અધિકારીઓ સામે જ્યારે આવક કરતા વધુ સંપત્તિના કેસ દાખલ થાય ત્યારે તેની સંપત્તિઓની જપ્તિ માટે કોર્ટ પ્રક્રિયા હોય છે. કેસ દાખલ થયા બાદ સરકાર આ પ્રકારની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી શકે. આ કાયદામાં માત્ર ભ્રષ્ટ અધિકારી જ નહીં પરંતુ હવે તો તેના પ્રિયજનો એટલે કે પરિજનો ઉપર પણ તવાઈ આવશે એટલે કે પરિજનો કે ભળતા નામથી જો મિલકતો ખરીદાઈ હશે તો તે પણ જપ્ત કરી શકાશે. અત્રે જણાવવાનું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારી બાબુઓના લાંચના 1549 જેટલા કિસ્સાઓ ચોપડે નોંધાયેલા છે.
કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલા ભ્રષ્ટ અધિકારીઓ માટે જે કાયદો બનાવેલો તેમાં આવા અધિકારીઓ જો નિવૃત્ત થાય તો પણ જે તે અધિકારીની સંપત્તિ જપ્ત કરવાની છૂટ આપે છે. નોંધનીય છે કે આ અગાઉ 2006માં ઓડિશામાં અને 2009માં બિહારમાં આ અંગે કાયદો બન્યો હતો પરંતુ ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ઠંડુ પાણી રેડાઈ ગયું હતું.