બોલો.... માત્ર કાગળ પર જ રહેલી યોજના પાછળ સરકારે બે વર્ષમાં 5,683 લાખ ખર્ચી નાખ્યા
વર્ષ 1999માં મંજૂર થયેલી `કલ્પસર યોજના` હજુ સુધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને સરકાર દ્વારા આ યોજનાના આયોજન પાછળ વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત સરકારે માત્ર કાગળ પર જ રહેલી એક યોજના પાછળ બે વર્ષમાં રૂ.5,683.01 લાખ ખર્ચી નાખ્યા છે. આ યોજનાનું નામ છે 'કલ્પસર યોજના'. વર્ષ 1999માં મંજૂર થયેલી આ યોજના હજુ સુધી માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને સરકાર દ્વારા આ યોજનાના આયોજન પાછળ વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, કલ્પસર યોજના અંતર્ગત સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય સંબંધિત વિવિધ અભ્યાસો ઉપરાંત કલ્પસર ડેમ બનાવવા માટે વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. કલ્પસર યોજનાનો અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૈકી કુલ 25 અભ્યાસો પૂર્ણ કરાયા છે અને 8 અભ્યાસો પ્રગતિ હેઠળ છે.
અહો આશ્ચર્યમ...! નર્મદા કેનાલમાં ઊંદર અને નોળિયાના લીધે પડે છે ગાબડાં...!
સરકારે માહિતી આપતા જણાવ્યું કે, "કલ્પસર યોજના માટે તત્કાલિન સરકારે 22 જાન્યુઆરી,2003ના રોજ રૂ. 84 કરોડની વહીવટી મંજૂરી આપી હતી. વર્ષ 2017-18માં રૂ.3590.95 લાખ, વર્ષ 2018-19માં રૂ. 2036.02 લાખ અને 31, મે 2019 સુધીમાં રૂ. 56.04 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે."
રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ પૂર્ણ થયા પછી આ અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસેથી આ અહેવાલના આધારે સંબંધિત તમામ મંજૂરીઓ મળી ગયા પછી યોજનાનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે.
નર્મદા યોજનાઃ અધધધ....70 હજાર કરોડથી વધુનો ખર્ચ, છતાં હજુ યોજના અધુરી..!
શું છે કલ્પસર યોજના?
ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટો જળાશય બનાવી તેના થકી ભરતીજન્ય વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને સાંકડી દેવાનો અને જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનો છે.
અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ
ખંભાતના અખાતમાં બનાવવા આવનારી આ યોજના અંગે 1988-89માં તમામ પાસાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો હતો. આ અહેવાલનું તારણ એ હતું કે, ખંભાતના અખાતમાં તકનીકી રીતે ડેમ બનાવી શકાય તેમ છે. વર્ષ 1999માં યોજનાને મંજૂરી આપ્યા પછી અત્યાર સુધી 6 વિશિષ્ઠ અભ્યાસો કરવામાં આવ્યા છે અને તેના તારણમાં યોજનાની તાંત્રિક શક્યતા દર્શાવામાં આવી હતી. સાથો સાથ કેટલાક અગત્યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અંગે વધુ અભ્યાસો કરવા સૂચન કરાયું હતું. જાનુઆરી ૨૦૦૨માં જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવરનું કાર્ય સંપૂર્ણ થયા પછી વર્ષ 2011માં તેનું બાંધકામ ચાલુ થશે. જોકે, વર્ષ 2019 આવ્યો હોવા છતાં આ યોજના હજુ કાગળ પર જ છે.
જૂઓ LIVE TV.....