ગુજરાતના ગામડાની જનતાને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે, 22 સેવા ઓનલાઈન કરાઈ
આ સેવાને લગતી એફિડેવિટ તલાટી પાસે કરાવી શકાશે. તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર નહીં રહે. આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર કાર્યક્રમમાં ડિજિટલ સેવા સેતુ લોન્ચ કરવા જઇ રહી છે. જેમાં સરકારી કામોનું સરળીકરણ કરવાનો હેતુ આ દિશામાં છે. ગુજરાતના 3500 ગામમાંથી 2700 ગામમાં અને 167 તાલુકાના ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. 8 ઓક્ટોબરથી શરૂ થનારી આ સેવામાં ડિસેમ્બર સુધીમાં 8000 ગામ કવર કરવામાં આવશે અને 22 જેટલી સેવાઓ ડિજિટલી ઉપલબ્ધ બનાવાશે. આ 22 સેવાઓમાં રેશનકાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરીનો રહેણાંક પુરાવો, આવકનો દાખલો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પેટાચૂંટણી માટે ભાજપના મુરતિયાઓનું નામ ફાઈનલ, પણ જાહેરાત દિલ્હીથી થશે
આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ સેવાને લગતી એફિડેવિટ તલાટી પાસે કરાવી શકાશે. તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર નહીં રહે. આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ પર 3500 ગામડા મૂકાવાના છે, જોકે પેટાચૂંટણીના કામને કારણે 2700 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સેવા આપવાનું ભારતમાં ગુજરાત એકમાત્ર અને પ્રથમ રાજ્ય બનશે. 14000 ગ્રામ પંચાયતને તબક્કાવાર કરવામાં આવશે. આગામી વર્ષ સુધીમાં તમામ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. આ કુલ 2000 કરોડનો પ્રોજેક્ટ છે, જેમાં 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે, અને 10% રાજ્ય સરકાર સહયોગ આપે છે.
આ જાહેરાત કરતા સમયે સૌથી ઓછું ભ્રષ્ટાચાર ગુજરાતમાં હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ઘટાડવા માટે જ ડિજિટલ સેવા સેતુ જેવુ શસ્ત્ર ગુજરાતને મળ્યું છે ત્યારે આગામી દિવસોમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.
આ પણ વાંચો : ‘Hi’ લખવાથી ગુજરાત સરકારની તમામ યોજનાની માહિતી આવી જશે તમારા વોટ્સએપ પર
રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિજીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહી ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ ર૦ જેટલી સેવાઓ આ ડિજીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી ૮ ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગ્રામ પંચાયતોને આ ડિજીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે.
- ડિજીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે.
- અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે.
- એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. આમ, ગુજરાતના ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિજીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે.
- આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે.
- ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.
- Oaths Act 1969ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.