ગાંધીનગરઃ રાજ્યમાં 9 નવી ઔદ્યોગીક વસાહતોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ૧૦૫૦.૩૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, આ નવી નવ જી.આઈ.ડી.સી.ઓના નિર્માણ થકી વધુ રોજગારી ઉપલબ્ધ બનશે. સાથે સાથે લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૌશિક પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત કરી છે. આ ઔદ્યોગિક સંસ્થાઓમાંથી તાલીમ પ્રાપ્ત યુવાનોને રોજગાર અને ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે સરકારે અનેક વિવિધ આયોજનો કર્યા છે. તેના ભાગરૂપે જ આ નવી જીઆઈડીસી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રોજગારી પુરી પાડવામાં દેશમાં અવ્વલ ક્રમે છે. 


કૌશિક પટેલે નવી જીઆઈડીસી માટે ફાળવવામાં આવનારી જમીન અંગે જણાવ્યું કે, આ જમીન પૈકી ૭૦ ટકા જમીન બજાર કિંમતના ૫૦ ટકા ભાવે તથા બાકીની ૩૦ ટકા જમીન પ્રવર્તમાન બજાર કિંમત અનુસાર જી.આઈ.ડી.સી.ને આપવામાં આવશે. જી.આઈ.ડી.સી. દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલ કિંમતના ૫૦ ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે.


કયા જિલ્લાના કયા ગામમાં કેટલી જમીનની ફાળવણી 
- પાટણ જિલ્લાનું વાગોસણાઃ ૫૧.૪૬ હેકટર
- મહેસાણા જિલ્લાનું ઐઠોરઃ ૪૭ હેકટર
- આણંદ જિલ્લાનું ઈન્દ્રણજઃ ૪૦.૧૯ હેકટર
- રાજકોટ જિલ્લાનું ખીરસરાઃ ૯૨.૬૩ હેકટર
- મોરબી જિલ્લાનું છત્તરઃ ૨૪.૬૯ હેકટર
- સુરેન્દ્રનગર જિલ્લાનું વણોદઃ ૩૭૧.૬૦ હેકટર
- ભાવનગર જિલ્લાનું નવા માઢીયાઃ ૩૦૦ હેકટર અને નારી માટે ૧૧૫.૨૫ હેકટર
- ગાંધીનગર જિલ્લાનું ભાટઃ ૭.૫૦ હેકટર