શિયાળુ પાક માટે નર્મદાનું પાણી છોડવાની સરકારની જાહેરાત, ફોર્મ ભરીને માંગશે તેને મળશે પાણી
આ સાથે રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં એક તરફ ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ત્યારે રાજ્ય સરકારે શિયાળુ પાકના વાવેતર માટે પાણી આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, 12 નવેમ્બરથી પાણી છોડવામાં આવશે. આ પાણી 28 ફેબ્રુઆરી સુધી ચાલું રહેશે. આ પાણી મેળવવા માટે ખેડૂતોએ ફોર્મ ભરીને પાણીની માંગણી કરવાની રહેશે, જે ફોર્મ ભરશે તેને પાણી આપવામાં આવશે. આ માટે એક બાદ એક કેનાલમાંથી વારા મુજબ પાણી આપવામાં આવશે.
નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ દિવાળી ભેટ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ લાભ રાજ્યના 14500 કર્મચારીઓને મળશે. નવો પગાર વધારો 1 એપ્રિલ 2018થી લાગુ કરવામાં આવશે.
તો આ સાથે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતા સમયે કોઈ દાઝી જાય તે માટે સરકારે 108ને સ્ટેન્ડ બાય રહેવાનું કહ્યું છે. આ સાથે દાઝેલા લોકોની સરકારી હોસ્પિટલમાં પણ સારવાર કરવામાં આવશે.